મલાડમાં શિશુ સ્તનપાન કરતું હોવા છતાં સંવેદનહીન ટ્રાફિક પોલીસ વાહન ટો કરી ગઈ

મલાડમાં શિશુ સ્તનપાન કરતું હોવા છતાં સંવેદનહીન ટ્રાફિક પોલીસ વાહન ટો કરી ગઈ

ટ્રાફિક કૉન્સ્ટેબલ શશાંક રાણે સસ્પેન્ડ
 
મુંબઈ, તા. 11 : મુંબઈમાં ટ્રાફિક પોલીસ કેટલી સંવેદનશૂન્ય છે તેનું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયો મારફતે જોવા મળે છે. મલાડમાં નો-પાર્કિંગ ઝોનમાં ઊભી રાખવામાં આવેલી મોટરકારમાં મહિલા સાત માસના શિશુને સ્તનપાન કરાવતી હતી ત્યારે જ ટ્રાફિક પોલીસે તે મોટરકારને ટો કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મોટરકારનો માલિક તેનું વાહન નો-પાર્કિંગ ઝોનમાં ઊભું રાખીને કામ માટે બહાર ગયો હતો. તે સમયે કારમાં પાછળની બેઠકમાં માલિકની પત્ની શિશુને સ્તનપાન કરાવતી હતી. આમ છતાં ટ્રાફિક પોલીસ વાહનને બળજબરી ટો કરીને લઈ ગઈ હતી.
મહત્ત્વની બાબત એ છે કે વીડિયો ઉતારનારો યુવક ટ્રાફિક પોલીસને મોટરકાર ટો નહીં કરવાની વિનંતી કરતો હતો. મોટરકારમાં શિશુને સ્તનપાન કરાવવામાં આવતું હોવાથી વાહનને સાવચેતીપૂર્વક ખેંચો એમ કહેતો હતો. આમ છતાં તેની વિનંતીની અવગણના કરીને ટ્રાફિક પોલીસે વાહનને ટો કર્યું હતું.
મહિલા દંડ ભરવા તૈયાર છે એમ વીડિયો ઉતારનાર વ્યક્તિએ કહ્યા છતાં ટ્રાફિક પોલીસે તેની વાત ઉપર ધ્યાન આપ્યું નહોતું. વીડિયોમાં ટ્રાફિક પોલીસના તે કૉન્સ્ટેબલનું નામ શશાંક રાણે હોવાનું કહેવામાં આવે છે. વીડિયો ફરતો થયો પછી શશાંક રાણેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer