ફારુખ અબદુલ્લાનું વિવાદીત નિવેદન; પીઓકે પાકિસ્તાનનો હિસ્સો

ફારુખ અબદુલ્લાનું વિવાદીત નિવેદન; પીઓકે પાકિસ્તાનનો હિસ્સો

શ્રીનગર, તા. 11 : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુખ અબ્દુલ્લાએ બફાટભર્યા બયાનમાં કહ્યું કે, પાક અધિકૃત કાશ્મીર (પોઓકે) પાકિસ્તાનનો હિસ્સો છે અને તેને પાકિસ્તાન પાસેથી કોઇ છીનવી નહીં શકે.
ફારુખે સાથે એમ પણ કહ્યું કે, કાશ્મીરનો જે હિસ્સો ભારતની પાસે છે તે ભારતનો ભાગ છે. ગમે તેટલા યુદ્ધ થાય, આ નથી બદલાવાનું. અબ્દુલ્લાએ માગણી કરી કે બંને દેશોમાં કાશ્મીરની પ્રજાને સ્વાયત્તતા આપવી જોઇએ. ફારુખે કહ્યું કે, આઝાદીની માગણી બેઇમાની છે. કાશ્મીર ચારે તરફથી જમીન અને પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્રોથી ઘેરાયેલું છે. એથી આઝાદીની માગણી યોગ્ય નથી.
ફારુખે વાટાઘાટકાર દિનેશ્વર શર્માની વાતચીત પર કહ્યું કે, `હું એ મુદ્દે વધુ ટિપ્પણી નહીં કરી શકું. તેમણે વાતચીત કરી છે પરંતુ માત્ર વાતચીત સમાધાન નથી. આ મુદ્દો ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાતચીતનો છે.
ભારત સરકારે પાકિસ્તાનની સરકાર સાથે વાતચીત કરવી જોઇએ કારણ કે, કાશ્મીરનો એક હિસ્સો તેમની પાસે છે.
નેશનલ કોન્ફરન્સના નેતાએ ઉમેર્યું કે, `પાકિસ્તાનના એક મંત્રીએ બિલકુલ સાચું કહ્યું છે કે તમે એ હિસ્સાને ભૂલી રહ્યા છો, જે પાકિસ્તાન પાસે છે. જો તમે પોતાના હિસ્સાની વાત કરો છો તો બીજાનું પણ ધ્યાન રાખવું જોઇએ'.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer