શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરતા રહેશું : પ્રકાશ જાવડેકર

શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરતા રહેશું : પ્રકાશ જાવડેકર
 
કૉંગ્રેસના નેતાઓ બસમાં ફરે છે, અમે ચાલીને ઘરેઘરે પહોંચીએ છીએ

રાજકોટ, તા. 11 : ``આજે દેશના પ્રથમ શિક્ષામંત્રી મૌલાના અબુલ કલામ આઝાદજીનો જન્મદિન છે અને આજે તેમનો સંકલ્પ દોહરાવું છું કે, દેશમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરતાં રહેશું. ઉચ્ચ શિક્ષણમાં શોધ સંશોધનને પણ પ્રાધાન્ય મળશે.'' રાજકોટ આવેલા કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
રાજકોટમાં પત્રકાર પરિષદ દરમિયાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આજે રાજકોટની પશ્ચિમ અને દક્ષિણ બેઠકના વિસ્તારોમાં ઘરે ઘરે સંપર્ક અભિયાનમાં ગયો હતો. કેંગ્રેસના નેતા બસમાં ફરે છે અને અમે ચાલીને ઘરે ઘરે જઈ રહ્યા છીએ. હું શહેરના ગરીબ વિસ્તારોમાં ફર્યો છું. અહીંના લોકોને નર્મદાનું નીર આવવાથી પાણીનું સુખ થઈ ગયું છે. દર ઉનાળામાં અહીં પાણીની તંગી થતી હતી પણ ભાજપની સરકારે આ વિસ્તારના લોકોનું પાણીનું દુ:ખ દૂર કર્યું છે. નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર-કચ્છ સુધી પહોંચાડવું એ ગુજરાત સરકારની સૌથી મોટી ઉપલબ્ધી છે. અમારી વિકાસની પ્રતિબધ્ધતા છે અને એટલે જ ગુજરાતની જનતાને ભાજપ પર વિશ્વાસ છે.
ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં 24 કલાક વીજળી મળે છે. જ્યારે કેન્દ્રમાં મનમોહનસિંઘની સરકાર હતી ત્યારે પણ ગુજરાતને શ્રેષ્ઠ રાજ્યના આઠ-આઠ નેશનલ એવોર્ડ મળ્યા હતા. ગુજરાતનો વિકાસ છેલ્લા 22 વર્ષમાં સારો થયો છે. ઉદ્યોગો વિકસ્યા છે. મગફળી અને કપાસનો પાક ખૂબ સારો થયો છે. ભાજપના શાસનમાં વ્યક્તિગત આવક 10 ગણી વધી છે. કપાસનું ઉત્પાદન 4 ગણું વધ્યું છે. ફળનું ઉત્પાદન 4 ગણું અને શાકભાજી 8 ગણું, દૂધનું ઉત્પાદન 3 ગણું વધ્યું છે. ગુજરાતમાં હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ પણ વધ્યો છે.
પ્રકાશ જાવડેકરે એમ પણ કહ્યું કે, હમણાં જ જીએસટી કાઉન્સીલે સંખ્યાબંધ ચીજવસ્તુઓના સ્લેબમાં ઘટાડો કર્યો. કારણ કે મોદીજીની સરકાર જનતાની સરકાર છે. તેમણે કેંગ્રેસ શાસનના મનરેગા ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યં કે, શિક્ષણના સ્તરમાં ખૂબ સારા સુધારા આવ્યા છે. ગુજરાતથી શરૂ થયેલા ગુણોત્સવને દેશભરમાં લાગૂ કરાયો છે અને તેનું સારું પરિણામ મળ્યું છે. સરકારી શાળામાં લોકો ફરીથી વિશ્વાસ મુકતા થયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer