નર્મદા જિલ્લામાં 116 વર્ષનાં દાદીમા, 109 વર્ષના દાદાજી કરશે મતદાન

નર્મદા જિલ્લામાં 116 વર્ષનાં દાદીમા, 109 વર્ષના દાદાજી કરશે મતદાન

નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર શતાયુ મતદારોની પૃચ્છા કરી કાળજી લેશે
 
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 11 : નર્મદા જિલ્લાના ચૂંટણી તંત્રે, જિલ્લા ચૂંટણી અધિકારી આર.એસ.નિનામાની અનોખી પ્રેરણાથી એક અભિનવ પહેલના રૂપમાં, નર્મદા જિલ્લાની મતદારયાદીને કોમ્પ્યુટર અને ઈન્ફોટેકની આંખે ચાળીને આશરે 56 જેટલા આયખાની સદીએ પહોંચેલા શતાયુ અને તેથી વધુ વયના જીંદગીનું અણનમ બેટીંગ કરતા મતદારોને શોધી કાઢયાં છે. પણ જિલ્લા ચૂંટણી તંત્ર આટલેથી જ અટકી જવાનું નથી. આ બા-દાદા સમાન મતદારોની આદરભરી કાળજી લેવાનો અને જે તે વિસ્તારના બી.એલ.ઓ.ના માધ્યમથી આવા મતદારોને મતદાન માટે જરૂરી સહાયરૂપ બનીને તેમનું મતદાન સુવિધાપૂર્ણ બનાવવાનો સંકલ્પ પણ જિલ્લા ચૂંટણી અધિકારીના દિશા નિર્દેશથી કર્યો છે. વડીલ મતદારોની દરકાર કરીને તંત્ર યુવા મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવામાં આળસ ન કરવાનો અને વડીલજનોના સામાજિક સન્માનનો સંદેશ પણ આપશે. ઉલ્લેખનીય છે કે, બા-દાદા મતદારોની આ વડીલજન સૂચિમાં ગરુડેશ્વર તાલુકાના વ્યાધર ગામના 116 વર્ષની વયના દાદીમાં મંગીબેન કરશનભાઈ તડવી અને નાંદોદ તાલુકાના પીંછીપરા ગામના 109 વર્ષની વયના દાદાજી ભવનભાઈ કાદવાભાઈ ભીલ મોખરે છે. 
જિલ્લા ચૂંટણી તંત્રે આદરેલા શતાયુ મતદાર શોધ અભિયાનમાં 148-નાંદોદ (અ.જ.જા.) વિધાનસભા બેઠકના ક્ષેત્ર નાંદોદ વિસ્તારમાંથી 22 અને 149-દેડીયાપાડા (અ.જ.જા.) વિધાનસભા બેઠકના ક્ષેત્રમાં દેડીયાપાડા વિસ્તારમાંથી 34 મળીને આશરે કુલ 56 જેટલા શતાયુ મતદારો મળી આવ્યાં છે. જેમની ઉંમર લઘુત્તમ 100 થી લઈને મહત્તમ 116 વર્ષની છે. મતદાર યાદીના આ શતકવીર વડીલજનોમાં 32 ત્રીઓ અને 24 પુરુષો છે. જેનાથી એવો સંદેશો મળે છે કે, સમાજમાં માતૃ શકિતની અવગણના કરવાને બદલે યોગ્ય કાળજી લેવામાં આવે તો માની મમતા એકથી વધુ પેઢીઓ માણી શકે છે. આ શતકવીરોમાં 116 વર્ષની વયના વ્યાધરના દાદીમાં મંગીબેન કરશનભાઈ તડવી તથા પીંછીપરાના 109 વર્ષની વયના દાદાજી ભુવનભાઈ કાદવાભાઈ ભીલનો સમાવેશ થાય છે. આમ, આ શતકવીર મતદારો પણ નર્મદા જિલ્લાની મતદાર યાદી શોભાવી રહ્યાં છે. 
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા-2012ની સામાન્ય ચૂંટણીઓ પ્રસંગે નર્મદા જિલ્લાની મતદારયાદીમાં શતાયુ વટાવી ચૂકેલા 26 જેટલા વડીલ મતદારો નોંધાયા હતા. જેમાં આયુષ્યની સદી ફટકાર્યા પછી પણ અણનમ રહેલા દેડીયાપાડા તાલુકાના રોઝઘાટ ગામના 117 વર્ષની વયના વસાવા કાથુડીયાભાઈ મંછીભાઈ (કાથુડીયાદાદા) અને નાંદોદ તાલુકાના માંગરોળ ગામનું 114 વર્ષની વયનું દંપતી પટેલ ડાહ્યાભાઈ અને મંજુલાબેન તેમાં મોખરે રહ્યાં હતાં. નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા વિસ્તારની મતદારયાદીમાં અનુક્રમે 13 અને 13 મળી કુલ -26 જેટલા શતાયુ વટાવી ચૂકેલા મતદારો નોંધાયા હતાં જેમાં 15 ત્રી મતદારો અને 11 પુરુષ મતદારોનો સમાવેશ થતો હતો. 
આમ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-2017ની મતદારયાદીમાં નર્મદા જિલ્લામાં શતાયુ વટાવી ચૂકેલા મતદારોમાં 32 મહિલા મતદારોના સમાવેશ ઉપરાંત ગત લોકસભા સામાન્ય ચૂંટણીઓ-2014માં પણ શતાયુ વટાવી ચૂકેલા વડીલજન મતદારોમાં મહિલા મતદારો સતત મોખરે રહેવા પામી હતી. 
જિલ્લાના રોઝઘાટ ગામના વસાવા કાથુડીયાભાઈ મંજીભાઈ(કાથુડીયાદાદા) દેવલોક પામ્યા છે. એટલે હાલમાં આપણી વચ્ચે નથી પરંતુ તેઓની હયાતીમાં વિધાનસભા-2012ની સામાન્ય ચૂંટણી સમયે ભારતના ચૂંટણીપંચ દ્વારા સ્વ.કાથુડીયાદાદાને એમ્બેસેડરનું બિરુદ અપાયું હતું. સ્વ.કાથુડીયાદાદાએ ગત તા.13મી ડિસેમ્બર , 2013ના રોજ વિધાનસભાની ચૂંટણીમાં તેમના બહોળા પરિવારના તમામ 54 સભ્યો સાથે લગ્નની જાન જોડી હોય તે રીતે મતદાન મથકે લાકડીના ટેકે ચાલતા પહોંચીને તેમના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનથી અળગા રહેતા મતદારો માટે તેઓ પ્રેરણા ત્રોત બન્યાં હતાં. જિલ્લા ચૂંટણી તંત્રએ ગત લોકસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન તેમના પરિવાર સાથેની સામૂહિક મતદાનની સાક્ષીરૂપ દસ્તાવેજી તસવીરોનો મતદાન જાગૃતિ માટે જિલ્લામાં ઠેર ઠેર પોસ્ટર્સ, બેનર્સ-હોર્ડીંગ્સમાં ઉપયોગ કરીને ગામે ગામ લોકશાહીના જતન અને તેના સંવર્ધન માટેનો સંદેશો પહોંચાડવાની પાયારૂપ કામગીરીમાં સ્વ.કાથુડીયાદાદાનું યોગદાન મેળવાયું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer