`તું ભલે સુપરસ્ટાર છે, પણ તે અલીબાગ ખરીદી લીધું નથી''

`તું ભલે સુપરસ્ટાર છે, પણ તે અલીબાગ ખરીદી લીધું નથી''
 
શાહરુખને કારણે જયંત પાટીલને અલીબાગ જવામાં વિલંબ
 
મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : ગેટવે અૉફ ઇન્ડિયાથી અલીબાગ જવામાં વિલંબ કરાવવા બદલ અભિનેતા શાહરુખ ખાને મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં  શેકાપના સભ્ય જયંત પાટીલનો રોષ વહોરી લીધો છે. જયંત પાટીલે વિધાન પરિષદના આગામી શિયાળુ સત્રમાં આ મુદ્દો ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી છે.
શાહરુખ ખાન ગત ત્રીજી નવેમ્બરે જન્મદિન અલીબાગસ્થિત ફાર્મ હાઉસમાં ઊજવીને બોટમાં ગેટવે પાછો ફર્યો હતો, તેની બોટ ગેટવે પહોંચ્યાની વાત પ્રસરતા તેના ચાહકોએ ત્યાં ભીડ કરી હતી. બોટ લાંગર્યા પછી શાહરુખ ખાને તેમાંથી ઊતરવાને બદલે સિગારેટ પીતો હતો અને એકઠા થયેલા ચાહકોને ફલાઇંગ કિસ આપતો હતો. બરાબર તે જ સમયે પાટીલ અલીબાગ જવા માટે ગેટવે પહોંચ્યા હતા, પરંતુ શાહરુખની બોટ જેટ્ટી ખાલી કરે નહીં ત્યાં સુધી પાટીલને અલીબાગ લઈ જવા માટેની બોટ ત્યાં લાંગરી શકે એમ નહોતી. તેથી થોભવા પડતાં પાટીલે પિત્તો ગુમાવ્યો હતો. તેમણે સંભાળાવ્યું હતું કે તું ભલે સુપરસ્ટાર હોય, પણ તે અલીબાગ ખરીદી લીધું નથી. પાટીલનો આ વીડિયો વાયરલ થયો છે.
પાટીલે જણાવ્યું હતું કે ત્યાં હાજર પોલીસો પણ શાહરુખની તરફેણ કરતા હતા. હાલ પ્રધાનોને સુધ્ધાં આટલી સગવડ આપવામાં આવતી નથી. તો પછી શાહરુખને આટલી બધી સગવડ શા માટે? હું મુદ્દો વિધાન પરિષદના આગામી શિયાળુ સત્રમાં ઉઠાવીશ એમ પાટીલે ઉમેર્યું હતું.
પાટીલ શેતકરી કામગાર પક્ષના મહામંત્રી છે. તેમનો પક્ષ રાયગઢ જિલ્લામાં નોંધપાત્ર વર્ચસ ધરાવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer