મૂડીબજારના વિકાસ માટે એસટીટીમાં ઘટાડો અને ડિવિડંડ ટૅક્સ રદ કરવાની માગણી

મૂડીબજારના વિકાસ માટે એસટીટીમાં ઘટાડો અને ડિવિડંડ ટૅક્સ રદ કરવાની માગણી
 
શૅરબજારનાં કામકાજનો સમય વધારો

મુંબઈ, તા. 11 (પીટીઆઈ): કેપિટલ માર્કેટના વિકાસ માટે સિક્યુરિટીસ ટ્રાન્ઝેક્શન ટૅક્સ ઘટાડવાની અને ડિવિડંડ ટૅક્સ રદ કરવાની માગણી ઍસોસિયેશન અૉફ નેશનલ એક્સચેન્જ મેમ્બર અૉફ ઇન્ડિયાએ કેન્દ્રના નાણાં ખાતા સમક્ષ કરી છે.
સ્ટોક બ્રોકરોના રાષ્ટ્રીય સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે નાણાં ખાતાને એસટીટીમાં રિબેટ આપવાની વિનંતી કરી છે. એસટીટીને લીધે શૅરબજારોનું કામકાજ ઘટે છે. વધુમાં ગ્રાહકો માટે સોદાનો ખર્ચ વધે છે અને તેથી અમારી આવક ઘટે છે. વિશ્વની કેપિટલ માર્કેટમાં ટ્રાન્ઝેક્શન પર આટલા મોટા પ્રમાણમાં ટૅક્સ નથી. નાણાકીય વર્ષ 2016-17માં એસટીટી મારફતે સરકારી તિજોરીમાં 8358 કરોડ રૂપિયા એકઠા થયા હતા જ્યારે નાણાકીય વર્ષ 2015-16માં 7350 કરોડ રૂપિયા એકઠા થયા હતા. બ્રોકિંગના વ્યવસાયને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવવો જોઇએ.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે શૅરોના સોદા પર એસટીટી બોજ સમાન છે. એસટીટી લાદવામાં આવ્યો પછી કામકાજ ઘટયું છે.
ભારતમાં શૅરબજારના કામકાજનો સમય વધારવાની જરૂર છે. શૅરબજારનું કામકાજ બપોરે 3.30 વાગે પૂર્ણ થાય પછી પણ ઘણા બનાવો બને છે. ભારતના શૅરબજારમાં સહભાગી થનારાઓને કૉર્પોરેટ અને રેગ્યુલેટરી બેનિફિટથી વંચિત રાખવા ન જોઇએ. વિશ્વના દેશોને તે સુવિધા ઉપલબ્ધ થાય છે. ભારતના શૅરબજારના કામમાં સહભાગી થનારાઓ સવારે ઊઠે ત્યાં સુધીમાં તેનો લાભ વિદેશી શૅરબજાર ઉઠાવી જતા હોય છે એમ ચૌહાણે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer