હરામીનાળામાંથી ફરી ત્રણ બોટ સાથે ત્રણ પાકિસ્તાની માછીમારો ઝડપાયા

 
ભુજ, તા. 11 : ગુરુવારે રાત્રે અને શુક્રવારે હરામીનાળામાંથી છ બોટ સાથે પાંચ પાકિસ્તાની માછીમારો પકડાયા બાદ આજે ફરી ત્યાંથી વધુ ત્રણ બોટ સાથે ત્રણ પાકિસ્તાનીઓને સીમાસુરક્ષા દળના જવાનોએ જબ્બે કર્યા છે. આમ કચ્છનો દરિયાકિનારો શિયાળા પૂર્વે જ ગરમી પકડી ચૂક્યો છે.
સપ્ટેમ્બરથી માછીમારીની મોસમ શરૂ થતાં ભૌગોલિક પરિસ્થિતિ મુજબ હરામીનાળા વિસ્તારમાં ભારતીય માછીમારો પહોંચી શકે તેમ નથી. આથી ત્યાં પાકિસ્તાની માછીમારો ગેરકાયદે માછીમારી કરતા હોવાથી સીમાસુરક્ષા દળના જવાનોએ તેઓને જબ્બે કરવા ઓપરેશન સઘન બનાવ્યું હોવાથી આજે સવારે 11 વાગ્યા આસપાસ હરામીનાળા બોર્ડર પિલર 1169 નજીક બીએસએફની 79 બટાલિયન સ્પીડ બોટ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે પાકિસ્તાની બોટોની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. 
પેટ્રોલિંગના જવાનોએ સાથી જવાનોને સાબદા કરી ચોફેરથી ઘેરો ઘાલ્યો હતો અને પાંચ કલાકના ઓપરેશનના અંતે બપોરે 4 વાગ્યા આસપાસ બોર્ડર પિલર નં. 1175 પાસેથી 25 બાય 4 ફૂટની લાકડાંની એન્જિનવાળી ત્રણ બોટ સાથે ત્રણ પાકિસ્તાનીઓને ઝડપી પાડયા હતા.
આ ઝડપાયેલા માછીમારો સિંધ પ્રાંતના સુજાવલ જિલ્લાના જતી તાલુકાના ઝીરો પોઈન્ટના રહેવાસીઓ ફઝલ મોહમ્મદ મુસા (ઉ.વ.27), અલી અસગર લાલ ખાન (ઉ.વ.23) અને ફૈઝ મોહમ્મદ કાસીમ (ઉ.વ.28)ને ત્રણ બોટમાંના માછીમારીના સાધનો, પાંચ આઈસબોકસ, ત્રણ માછીમારીની જાળ, પ્લાસ્ટિક કેરબા, સાત લિટર પેટ્રોલ સહિત સાથે પકડી પાડયા હતા અને દયાપર  પોલીસના હવાલે કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ચૂંટણીને અનુલક્ષીને સરહદે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસોમાં નવ બોટ સાથે આઠ પાકિસ્તાની માછીમારો ઝડપાતાં સુરક્ષા એજન્સીઓની દોડધામ વધી ગઈ છે અને ક્રીક તથા રણ સરહદે કોઈ ચૂક ન થાય તે માટે જાપ્તો વધારી દીધો છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer