ગુજરાતમાં શિક્ષણ વ્યાપાર બન્યું ! : સામ પિત્રોડા


આઈટી ક્ષેત્રે રાજ્યની ભૂમિકા `ઝીરો' : બેંગલોર હબ બન્યું
 
રાજકોટ, તા.11 : `ગુજરાત ડેવલપમેન્ટ મોડેલની આજે ચોતરફ ચર્ચા છે પરંતુ વર્તમાન સરકારની ઉચિત પોલીસીના અભાવે આ મોડેલ `ટોપડાઉન' બની ગયું છે. પ્રજાને તેનો લાભ મળતો નથી. આજે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં શિક્ષણ વ્યાપાર બની ચૂક્યું છે. ગુજરાતે ખરેખર જે કંઈ પણ વિકાસ કર્યો છે તેની પાછળ કોઈ સરકાર નહીં પરંતુ ખુદ ગુજરાતીઓનું જ યોગદાન છે' તેવું આજે ભારતમાં ટેલીકોમ ક્રાંતિના પ્રણેતા સત્યનારાયણ ગંગારામ પિત્રોડા એટલે કે, સામ પિત્રોડાએ શહેરની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. 
આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વ્યક્તિગત મનની વાતના બદલે લોકોના મનની વાતનો સમાવેશ કરવાની એક કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ગાંધી પરિવારના નજીકના સભ્યો પૈકીના એક સામ પિત્રોડાએ ગુજરાતનો પાંચ દિવસનો પ્રવાસ ખેડવાનું શરૂ કર્યુ છે. આજે રાજકોટની મુલાકાત દરમિયાન તેઓએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું ડેવલમેન્ટ મોડેલ મને સમજાતું નથી એક તરફ આ રાજ્યમાં કરોડોના ખર્ચે નેનો પ્લાન્ટ, સાબરમતી રીવરફ્રન્ટ, કેમિકલ ફેક્ટરીઓ, બંદરો બાંધવાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે અને બીજી તરફ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ મહિલાઓને માઈલો સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે.
દેશની શિક્ષણ પ્રણાલી વિષે વાત કરતાં પિત્રોડાએ જણાવ્યું હતું કે, ભારત અને ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે. શાળા-કોલેજ અને ટયુશન ફી લાખોમાં થાય છે જેને જોતા શિક્ષણ વ્યાપાર બની ગયુ હોઈ તેવું લાગે છે. આજે ગુજરાતમાં એક પણ એવી યુનિવર્સિટી નથી જે સંશોધનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી હોય, આઈટી ક્ષેત્રે આપણે શૂન્ય છીએ અને બેંગ્લોર હબ બની ચૂક્યું છે. હજુ પણ ઘણા વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલતા આવડતું નથી. રોજગારી ક્ષેત્રે પણ એવું જ છે. આપણે ત્યાં નીચલી કક્ષાએ રોજગારીની તકો સીમિત છે અને જેઓને નોકરી મળે છે તેઓને ઓછો પગાર મળે છે જીડીપી ભલે ઉચી આવી હોઈ પરંતુ આવકની અસમાનતા તિવ્ર છે. 
ટેક્ગુરુએ દેશના આરોગ્ય ક્ષેત્રની છણાવટ કરતાં જણાવ્યું હતું કે, આ દેશમાં ફાઈવ સ્ટાર હોસ્પિટલો છે પરંતુ પ્રાયમરી હેલ્થ સેન્ટરોમાં તબીબો શોધ્યા જડતા નથી. આવનારી પેઢી `કુપોષણ'નો ભોગ બની રહી છે તેઓના ન્યુટ્રીશન પર ધ્યાન આપી શકાતું નથી. આ સ્થિતિ યથાવત રહી તો તેઓના મગજનો વિકાસ કેવી રીતે થઈ શકશે ? કૃષિ ક્ષેત્રની સ્થિતિ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે, અવનવા પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન લઈ લેવામાં આવે છે પરંતુ ક્યારેય એ પ્રોજેક્ટ અમલી બનતા નથી. પાકના પોષણક્ષમ ભાવો તેમને મળતા નથી. દૂધ મોંઘુ થયું છે છતાં પશુપાલકોને તેનું પુરતુ વળતર મળતું નથી. ચૂંટણી પૂર્વે અનામતનો મુદ્દો ખૂબ ગાજી રહ્યો છે ત્યારે આ અંગે કોંગ્રેસ પાર્ટી અને સુપ્રિમ કોર્ટને મેનિફેસ્ટોની ટીમ અનુસરશે તેવું તેમણે ઉમેર્યુ હતું.
સામ પિત્રોડા આજે બપોર બાદ શહેરના સામાન્ય નાગરિકો, ખેડૂતો, યુવાઓ, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અલગ-અલગ બિઝનેસ ગ્રુપને મળ્યાં હતાં અને તેમની સાથે સંવાદ કર્યો હતો તેઓ પાસેથી મળેલા મંતવ્યોને એકત્ર કરી તેના આધારે ગુજરાત માટે કોંગ્રેસનું મૈનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરવામાં આવશે. આવતીકાલે તેઓ જામનગરની મુલાકાતે છે. આજની પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અગ્રણી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, મધુસુદનભાઈ મિત્રી, વશરામ સાગઠિયા, મહેશ રાજપૂત, મિતુલ દોંગા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. 
આફ્રેડને `મ્યુઝિયમ' નહીં`ગાંધીવાદી' શાળા બનાવો
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જે સ્કૂલમાં ભણીને જીવનમાં સત્ય, અંહિસા અને પ્રેમના આદર્શો સ્થાપિત કર્યા તે ઐતિહાસિક સંસ્મરણો ધરાવતી રાજકોટની આફ્રેડ હાઈસ્કૂલને બંધ કરીને ત્યાં મ્યુઝિયમ બનાવવાના નિર્ણય સામે સામ પિત્રોડાએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, અહીં મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે તે મેં જાણ્યું. ખરેખર આપણે આ શું કરી રહ્યાં છીએ? હકીકતમાં અહીં એવી આદર્શ `ગાંધીવાદી' શાળા બનવી જોઈએ કે જેને જોવા દુનિયાના દરેક ખૂણેથી લોકો આવે. રાજકોટના ઓદ્યોગિક ક્ષેત્રે તેમણે જણાવ્યું હતું કે, આ શહેર ઓટોપોર્ટસ મેન્યુફેક્ચરીંગનું હબ છે, ઘણા નાના-મોટા ઉદ્યોગો અહી આવેલા છે પરંતુ તેઓને નવા સંશોધનો માટે સરકાર તરફથી પૂરતી સહાય મળતી નથી.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer