પાકને ચાતરી ઈરાનના ચાબહાર મારફત અફઘાનિસ્તાન પહોંચ્યા ભારતીય ઘઉં

 
કાબુલ તા. 11:  પાકિસ્તાનને ચાતરીને-બાયપાસ કરીને-ભારતે ઈરાનના ચાબહાર પોર્ટ મારફત અફઘાનિસ્તાનમાં ઘઉંનું પ્રથમ શિપમેન્ટ પહોંચાડયું છે. ત્રિપક્ષી સહયોગ હેઠળના મહત્વપૂર્ણ કદમરૂપે આ પાર પાડી શકાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગયા મેની ઈરાન મુલાકાત બાદ આ ભારતનું શિપમેન્ટ ચાબહાર મારફત અફઘાનિસ્તાન મોકલાયાનું પ્રથમવાર બન્યું છે.
ચાબહાર મારફત ભારતના પ્રથમ ઘઉંના શિપમેન્ટ અફઘાનિસ્તાન ખાતે આવી પહોંચેલા જથ્થાનું જરંજ ખાતે પરંપરાગત નાચગાન અને ઉલ્લાસભેર સ્વાગત કરાયું હતું અને આ એક ગર્વની પળ હતી એમ અહીંના ભારતીય રાજદૂત મનપ્રીત બોહરાએ ટવીટ કર્યુ હતું. ગઈ તા. 29મીએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને તેમના અફઘાન તથા ઈરાની સમકક્ષો વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત થયા અનુસંધાને શિપમેન્ટ મોકલવાની શરૂઆત થઈ હતી. આગામી છ માસમાં ઘઉંનો વધુ જથ્થો અફઘાનિસ્તાન મોકલાશે. અફઘાન પ્રજા માટે ભારત તરફથી 11 લાખ ટન ઘઉઁનો પુરવઠા મોકલવા અપાયેલા વચનનો આ હિસ્સો છે.
અફઘાનિસ્તાનમાં જમીની રુટથી સામાન મોકલવાના વ્યવહારમાં પાક બાધારૂપ બનેલું છે. તેના જવાબરૂપે ભારતે ઈરાનના ચાબહારને વિકસિત કરી રહ્યું છે, જે આગામી વર્ષના ડિસે. સુધીમાં કાર્યાન્વિત થવા અંદાજ છે.
વડા પ્રધાનની ઉકત ઈરાન મુલાકાત દરમિયાન ચાબહાર પોર્ટ સાથે અફઘાનિસ્તાન મારફત પરિવહન અને ટ્રેડ કોરિડોર માટે ત્રિપક્ષી સમજુતી થઈ હતી. આમ થતાં મધ્ય એશિયા અને યુરોપ માટે ભારતથી શિપમેન્ટ મોકલવાનો ખર્ચ અને સમયની અવધિ અર્ધા થઈ જવા અનુમાન છે. ચાબહાર પોર્ટને ચીન તરફથી પાકમાં વિકસાવાતા ગ્વાદર પોર્ટના જવાબસમુ ગણાવાઈ રહ્યું છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer