અગ્નિવીરો માટે ગૃહ અને સંરક્ષણ મંત્રાલયમાં દસ ટકા અનામત

અગ્નિવીરો માટે ગૃહ અને સંરક્ષણ મંત્રાલયમાં દસ ટકા અનામત
સેનામાં ભરતીની અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે
સેનાની ત્રણે પાંખના પ્રમુખ સાથે રાજનાથ સિંહની બેઠક
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 18 : અગ્નિપથ યોજનાને લઈને હિંસક વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલય તરફથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મંત્રાલયે કેન્દ્રીય સશત્ર દળ અને આસામ રાઈફલ્સમાં અગ્નિવીરોની ભરતી માટે 10 ટકા સીટને અનામત રાખવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અર્ધ સૈનિક દળ અને આસામ રાઈફલ્સની ભરતી માટે અગ્નિવીરોની નક્કી મહત્તમ વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. અગ્નિવીરોની પહેલી બેચમાં ઉમરમાં છૂટ પાંચ વર્ષની હશે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અગ્નિપથ મુદ્દે સેનાની ત્રણેય પાંખના પ્રમુખ સાથે મહત્ત્વની બેઠક કરી હતી. બેઠક બાદ એલાન કરવામાં આવ્યું હતું કે, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, ડિફેન્સ સિવિલિયન પોસ્ટ સાથે ડિફેન્સની 16 કંપનીઓમાં નિયુક્તિમાં પણ અનામત આપવામાં આવશે.  આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરીને ભરતી યોજના ઉપર એક્સપર્ટ કમિટિનું ગઠન કરીને સમીક્ષા કરાવવાની માગણી કરવામાં આવી છે. 
એક અધિકારીએ કહ્યું હતું કે, અર્ધસૈનિક દળો અને આસામ રાઈફલ્સમાં 10 ટકા બેઠક અનામત રાખવાનો નિર્ણય યુવાનોને અમુક હદે સ્થાયી નોકરીનું આશ્વાસન આપશે. જે દેશભરમાં અગ્નિપથ યોજનાનો હિંસક વિરોધ કરી રહ્યા છે. વયમાં ત્રણ વર્ષની છૂટ મહત્તમ અગ્નિવીરોને સીએપીએફમાં જોડાવામાં મદદ કરશે. જેઓને સશત્ર દળોમાં ચાર વર્ષની નોકરી પૂરી થઈ ચૂકી છે. અગ્નિપથ યોજનાના હિંસક વિરોધ વચ્ચે રાજનાથ સિંહે સેનાની ત્રણે પાંખના વડા સાથે શનિવારે એક બેઠક કરી હતી. બેઠક બાદ રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે, જે અગ્નિવીર યોગ્ય માપદંડોમાં ખરા ઉતરશે તેઓને માટે રક્ષા મંત્રાલયમાં 10 ટકા સીટ અનામત આપવમાં આવશે. આ કોટા પૂર્વ સૈનિકોને મળતા કોટાથી અલગ રહેશે. બીજી તરફ અગ્નિપથ યોજના હવે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી છે. યોજનાને લઈને એક અરજી કરવામાં આવી છે જેમાં એક્સપર્ટ કમિટીનું ગઠન કરીને સમીક્ષા કરાવવાની માગણી થઈ છે.


© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer