ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે નિર્ણાયક ટી-20

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે નિર્ણાયક ટી-20
બેંગલુરુમાં થશે શ્રેણી જીતવા માટે ટક્કર : સાંજે સાત વાગ્યાથી પ્રસારણ
બેંગ્લુરુ, તા. 18 : પાંચ મેચની ટી-20 શ્રેણીમાં બે બેથી બરાબરી થયા બાદ હવે રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નિર્ણાયક બ્લોકબસ્ટર મેચ રમાશે. દક્ષિણ આફ્રિકાએ દિલ્હી અને કટકમાં પહેલા બે મેચમાં સરળ જીત મેળવી હતી. જો કે ભારતીય ટીમે શાનદાર વાપસી કરતા વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં રમાયેલા બન્ને મેચમાં  જીત મેળવી શ્રેણી બરાબર કરી હતી. રાજકોટમાં રમાયેલા ચોથા મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે રનના હિસાબે મોટી જીત મેળવી હતી. પ્લેયર ઓફ ધ મેચ રહેલા દિનેશ કાર્તિકે 2006 બાદ ભારતનો પહેલો ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો અને અર્ધસદી કરી હતી. ભારતે ચોથો મેચ 82 રને જીતીને બેંગ્લુરુમાં થનારો અંતિમ મુકાબલો રોમાંચક બનાવી દીધો છે. આ મુકાબલામાં જે ટીમ સારું પ્રદર્શન કરશે તે શ્રેણી પોતાનાં નામે કરશે. 
કાર્તિકે ચોથા મેચમાં હાર્દિક પંડયા સાથે પાંચમી વિકેટ માટે 65 રન જોડયા હતા. જેનાં પરિણામે એક સમયે 13 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 81 રન કરનારી ભારતીય ટીમે 169 રનનું લક્ષ્ય ઉભું કર્યું હતું. ભારતે અંતિમ પાંચ ઓવરમાં 73 રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 87 રનમાં સમેટાઈ હતી. જેને દક્ષિણ આફ્રિકાનો ટી20માં સૌથી ઓછો સ્કોર છે. ભારત તરફથી આવેશ ખાન સૌથી સારો બોલર રહ્યો હતો અને તેને કારકિર્દીનું સૌથી સારુ પ્રદર્શન કરતા 18 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આવેશ ખાને ત્રીજી ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. 
ભારત માટે નિર્ણાયક મુકાબલામાં સૌથી મોટી ચિંતા ઋષભ પંતનું ફોર્મ છે. શ્રેણી કેપ્ટન પંત માટે ખાસ રહી નથી. તે રન બનાવી શક્યો નથી અને એક જ રીતે આઉટ ગઈ હ્યો છે. છેલ્લી ચારમાંથી ત્રણ ઇનિંગમાં એક સરખા બોલે આઉટ થયો છે. પંત બળજબરી પૂર્વક સ્ટમ્પથી બહાર જઈ રહેલા બોલને મારવાની કોશિશ કરે છે અને પોતાની વિકેટ ગુમાવે છે. ચોથા મેચમાં કેશવ મહારાજના વાઇડ લાઇનથી બહાર જઈ રહેલા બોલે સ્વીપ કરતા વિકેટ ગુમાવી હતી. પંતે મેચ બાદ કહ્યું હતું કે, તે પોતાની રમતમાં અમુક બદલાવ કરી શકે છે પણ વધારે વિચાર કરતો નથી. બેંગ્લુરુમાં ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને જીતવાનો પ્રયાસ કરવામાં આવશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer