મુંબઈ, તા. 18 (પીટીઆઈ) : કેન્દ્રની નવી લશ્કર ભરતી સ્કીમ અગ્નિપથ સામેના હિંસક વિરોધ પ્રદર્શનો રાજકારણ પ્રેરિત છે અને જો હિંસા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહેલાઓ સામે ફોજદારી કેસ નોંધવામાં આવશે તો તેમના માટે ભવિષ્યમાં નોકરીઓ મેળવવાનું અત્યંત મુશ્કેલ બની જશે એમ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું.
અગ્નિપથ સ્કીમની સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને તોફાનીઓ ટ્રેનો, બસોને સળગાવી રહ્યા છે અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે.
અગ્નિપથ સામેના હાલના વિરોધ પ્રદર્શનો રાજકીય પ્રેરિત છે. જો તોફાન કરી રહેલા લોકો સામે ક્રિમિનલ આરોપો લગાવવામાં આવશે તો તેમના માટે કોઈ પણ પ્રકારની નોકરી મેળવવાનું મુશ્કેલ બની જશે. તેનાથી તેમની કારકિર્દીને હંમેશ માટે નુકસાન પહોંચશે, એમ પાટીલે જણાવ્યું હતું.
`અગ્નિપથ સ્કીમ સશસ્ત્ર દળોમાં ચાર વર્ષની મુદતની ઓફર કરે છે, જેમાં યુવાનોને લશ્કરી તાલીમ આપવામાં આવશે. સારો પગાર આપવામાં આવશે અને તેમની આ મુદત જ્યારે પૂરી થશે ત્યારે રૂપિયા 11 લાખનું કોર્પસ ફંડ આપવામાં આવશે અને તેમના ભવિષ્યને કોઈ રીતે વિપરીત અસર થશે નહિ,' એમ પાટીલે જણાવ્યું હતું.
`યુવાનોએ આ સ્કીમનો બારીકાઈથી અભ્યાસ કરવો જોઈએ. જેથી તેના ફાયદાને સમજી શકાય. તેમણે કોઈ પણ ભોગે હિંસાથી દૂર રહેવું જોઈએ. આવા બનાવોથી સમાજમાં અંધાધૂંધી ફેલાશે,' એમ પાટીલે વધુમાં જણાવ્યું હતું.
અગ્નિપથ સામેનો વિરોધ અને હિંસા રાજકારણ પ્રેરિત : ચંદ્રકાંત પાટીલ
