અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.18 : ગુડસ ઍન્ડ સર્વિસ ટેકસ (માલ અને સેવા કર), (જીએસટી)ની સમીક્ષા કરતા પ્રધાનોના જૂથ (જીઓએમ)એ અપંજીકૃત (નોન રજિસ્ટર્ડ) બ્રાંડ હેઠળ વેચાતા પેકેજ ખાદ્ય પદાર્થોમાં જીએસટીમાં મળતી પાંચ ટકા છૂટને હટાવી દેવાનો નિર્ણય લીધો છે. આ અંગે કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ મહાનગર મુંબઈના અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે વિશ્વ અને ભારતમાં સામાન્ય નાગરિકો મોંઘવારીથી ત્રસ્ત છે અને સરકારે મોંઘવારીને વધારવામાં મદદરૂપ પગલુ ઉઠાવ્યુ છ,ઁ જેનો અમે કડક વિરોધ નોંધાવીએ છીએ.
સરકાર દ્વારા આ નિર્ણય લેવાના કારણોમાં ચોખા અને ઘઉંના મિલ માલિકો સહિત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગના વર્ગ દ્વારા નોન બ્રાંડેડ ભોજન માટેની છૂટનો થઇ રહેલો દુરુપયોગને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાનું જણાવાયું છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઇની આગેવાનીમાં પ્રધાનોના જૂથ સાથે શુક્રવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લીધો છે.
ખાદ્યપદાર્થો ઉપર કોઇ કર છૂટ અપાશે નહીં. જીએસટી પરિષદ દ્વારા 28-29મી જૂને શ્રીનગરમાં આ અંગે બેઠક યોજાશે, જેમાં જીએસટી સ્લેબના પુનર્ગઠન સંબંધિત અહેવાલને અંતિમ મંજૂરી આપવા માટે જીએસટી પરિષદ પાસે વધુ સમયની માગ કરાશે.