અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : કેન્દ્ર તરફથી પરંપરાગત દવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે કેટલાક આયુષ અભ્યાસક્રમો માટેની માગ વધી રહી છે.
માત્ર મહારાષ્ટ્રમાં જ છેલ્લાં ચાર વર્ષમાં આયુષ અભ્યાસક્રમો માટેની બેઠકોમાં 30 ટકા જેટલો વધારો થયો છે અને બહુ જ થોડી બેઠકો ખાલી રહે છે એમ એડમિશન (પ્રવેશ)ને લગતા ડેટા પરથી જાણવા મળ્યું હતું. હોમિયોપેથીની પણ માગ વધી રહી છે. 2019-20માં હોમીયોપેથી અભ્યાસક્રમ માટેની 844 બેઠકો ખાલી રહી હતી જે હવે માત્ર 60 જેટલી જ ખાલી રહી છે.
પ્રત્યેક ઉમેદવાર માટે એમબીબીએસ ટોચની પ્રાથમિકતા હોય છે ત્યારે આયુર્વેદનો નંબર હવે બીજો આવી રહ્યો છે.
2018-19માં રાજ્યમાં આયુર્વેદ માટે 4300 કરતાં વધુ બેઠકો હતી તે સંખ્યા વધીને 2021-22માં 5600 પર પહોંચી ગઈ છે.
મેડિકલ એજ્યુકેશન કાઉન્સિલર મુઝફ્ફર ખાને જણાવ્યું હતું કે અગાઉ એમબીબીએસમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓ ડેન્ટલનો વિકલ્પ પસંદ કરતા હતા પરંતુ હવે તેઓ બીએએમએસ પર પસંદગી ઉતારી રહ્યા છે.
`હવે આ ક્ષેત્રમાં પણ તકો વધી રહી છે કારણ કે વિદ્યાર્થીઓ આયુર્વેદની પ્રેક્ટિસ કરવાની સાથે સાથે આધુનિક દવાઓની જાણકારી પણ ધરાવતા હોય છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ આયુષ ડૉક્ટરો આગળ રહ્યા હતા. જ્યાં અછત છે એવા ગ્રામ્ય કેન્દ્રોમાં તેઓ કામ કરતા હોય છે.