મુંબઈ 47મી વખત રણજીની ફાઈનલમાં : મધ્યપ્રદેશ સામે ટક્કર

નવી દિલ્હી, તા. 18 : મુંબઈ અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાયેલો રણજી ટ્રોફીનો બીજો સેમીફાઈનલ ડ્રો થયો છે. જો કે પહેલી ઈનિંગમાં વધારે રન બનાવવાના કારણે મુંબઈની ટીમ રણજી ટ્રોફીના ફાઈનલમાં પહોંચી છે. મુંબઈની ટીમ રેકોર્ડ 47મી વખત ફાઈનલમાં પહોંચી છે. 22 જુને થનારા ફાઈનલ મેચમાં મુંબઈનો મુકાબલો મધ્યપ્રદેશ સામે થશે. જેણે પહેલા સેમીફાઈનલમાં બંગાળને 174 રને હરાવ્યું હતું. 
મુંબઈએ 46 વખત રણજી ટ્રોફીના ફાઈનલમાં જગ્યા બનાવી છે અને 41 વખત ખિતાબ જીતવામં સફળતા મેળવી છે. મુંબઈએ પહેલા બેટિંગ કરતા પહેલી ઈનિંગમાં તમામ વિકેટ ગુમાવીને 393 રન કર્યા હતા. જેના જવાબમાં ઉત્તર પ્રદેશની ટીમ માત્ર 183 રનમાં સમેટાઈ હતી. પહેલી ઈનિંગના આધારે મુંબઈએ 213 રનની બઢત મેળવી લીધી હતી. બીજી ઈનિંગમાં મુંબઈએ યશસ્વી અને અરમાનની સદીની મદદથી 4 વિકેટે 533 રન બનાવીને ઈનિંગ ઘોષિત કરી હતી. જો કે ઉત્તર પ્રદેશની ટીમ બીજી ઈનિંગમાં બેટિંગ માટે ઉતરી નહોતી અને મેચ ડ્રો થવા છતા પણ પહેલી ઈનિંગમાં વધારે રન બનાવવાના કારણે મુંબઈની ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. 
આ પહેલા મધ્યપ્રદેશે બંગાળને રણજી ટ્રોફીના સેમીફાઈનલ મેચમાં પાંચમા અને અંતિમ દિવસે 174 રનના મોટા અંતરે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મધ્યપ્રદેશે બંગાળ સામે જીત માટે 350 રનનું લક્ષ્ય રાખ્યું હતું. જેનો પીછો કરતા બંગાળે ચોથા દિવસે ચાર વિકેટ 96 રને ગુમાવી દીધી હતી અને શનિવારે 175 રને ઈનિંગ સમેટાઈ હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer