નવી દિલ્હી, તા. 18 : છેલ્લા માત્ર પાંચ દિવસમાં 50 હજાર કરતાં વધુ નવા દર્દી સામે આવ્યા છે, ત્યારે ભારતીયોએ માત્ર ચિંતા કરવાની જ નહીં, પરંતુ ચેતી જવાની પણ જરૂર છે. દેશમાં શનિવારે 113 દિવસ બાદ 13 હજારથી વધુ નવા સંક્રમિતો ઉમેરાયા હતા.
દેશમાં એક સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યામાં બાવન ટકાનો ઉછાળો આવ્યો છે. આજે નવા સામે આવેલા 13,216 કેસ 24મી ફેબ્રુઆરી બાદ સૌથી વધુ છે. દિલ્હીમાં સંક્રમણ 24 કલાકમાં 35 ટકા વધ્યું છે.
બીજી બાજુ, નવમી જૂન પછી આજે સૌથી વધુ 23 દર્દીનાં મોત થતાં કુલ 5,24,840 દર્દી જીવ ખોઈ ચૂક્યા છે.
ભારતમાં કુલ દર્દીની સંખ્યા 4,62,83,793 થઈ ગઈ છે, જેની સામે 4,26,82,697 સંક્રમિતો સાજા પણ થઈ ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં 8148 દર્દી સાજા થયા હતા, તો પાંચ હજારથી વધુ કેસના ઉછાળા સાથે સારવાર લેતા દર્દીઓની સંખ્યા 68 હજારને આંબી ગઈ છે.
સક્રિય કેસોનું પ્રમાણ 0.16 ટકા, રિકવરી રેટ 98.63 ટકા, સંક્રમણનો દૈનિક દર વધીને 2.73 ટકા થઈ ગયો છે.
આજે કેરળમાં 13, મહારાષ્ટ્રમાં ત્રણ, કર્ણાટકમાં બે દર્દીનાં મોત થયાં હતાં. અત્યાર સુધી 196 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે.