ટેકાના ભાવ જાહેર નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ : ટિકૈત

ટેકાના ભાવ જાહેર નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ : ટિકૈત
હવે એમએસપી ગેરંટી કાનૂનની માગણી
નવી દિલ્હી, તા. 20 : કૃષિ કાયદાની વાપસીના એલાન બાદ પણ કિસાનો આંદોલન કરી રહ્યા છે અને આગળની રણનીતિ તૈયાર કરવા માટે સંયુક્ત કિસાન મોરચાની કોર કમિટીની બેઠક થઈ હતી. જો કે રાકેશ ટિકૈત તેમા સામેલ થયા નહોતા. બિલ વાપસી તો ઘર વાપસીની વાત કરનારા રાકેશ ટિકૈતે એમએસપીને ગેરન્ટીની માગ કરીને આંદોલન આગળ ખેંચવાના સંકેત આપ્યા છે. હકીકતમા કિસાન આંદોલનથી સૌથી વધુ કદ વધ્યું હોય તો તે રાકેશ ટિકૈત છે. આ આંદોલનથી ટિકૈત હિરો બન્યા છે. તેવામાં હવે એમએસપીને કાયદાકીય રૂપ આપવા માટે સરકાર ઉપર દબાણ બનાવવાનો યોગ્ય સમય ફરી ન મળે તે કારણથી જ આંદોલન આગળ લઈ જવાની હિલચાલ થઈ રહી છે તેવી શક્યતા છે. 
26 જાન્યુઆરીના રોજ લાલ કિલ્લે થયેલી હિંસા બાદ લાગી રહ્યું હતું કે આંદોલન સમાપ્ત થઈ જશે. દિલ્હીની બોર્ડરેથી કિસાનો પરત ફરી રહ્યા હતા. જો કે ટિકૈતે આંદોલનમાં ફરીથી જીવ ફૂંક્યો હતો. ગાઝીપુર બોર્ડરે પોતાના જીવને જોખમ હોવાની વાત કરીને ભાવુક થયા હતા અને પછી તમામ ગામ અને વિસ્તારમાંથી કિસાનો પરત ફરવા લાગ્યા હતા અને આંદોલનને નવો જોશ મળી ગયો હતો. ટિકૈતને પણ ખ્યાલ છે કે આંદોલન વારંવાર થતું નથી. એટલે  એમએસપીના મુદ્દે વધારે દબાણ કરી શકાય તેમ છે. તેવામાં એમએસપીને કાયદાકીય રૂપ આપવા માટે ફરીથી આવો સમય મળી શકે નહીં. તેવામાં હવે રવિવારે સંયુક્ત કિસાન મોરચાની બેઠક બાદ આગામી અટકળોને સ્પષ્ટ રૂપ મળી શકે છે. વધુમાં રાકેશ ટિકૈતની આંદોલન ખેંચવા પાછળ રાજનીતિક મહત્વાકાંક્ષા પણ હોય શકે છે. 2007મા તેણે યુપીમાંથી ચૂંટણી લડી હતી પણ હારનો સામનો કરવો પડયો હતો. 2014મા લોકસભા બેઠકમાં રાષ્ટ્રીય લોકદળના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા પણ તેમાં પણ હારનો સામનો કરવો પડયો હતો. તેવામાં આંદોલન ખેંચીને રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવામાં આવી શકે છે. 
ખેડૂતોને ઘરે જવાની ઉતાવળ નથી : કિસાન મોરચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદા પરત લીધા છે પણ કિસાન આંદોલન હજી પણ જારી છે. શનિવારે થયેલી સંયુક્ત કિસાન મોરચાની કોર કમિટીની બેઠક બાદ બીકેયુ નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, 22, 26 અને 29મી નવેમ્બરના રોજ જે કાર્યક્રમ થવાના છે તેને રોકવામાં આવશે નહીં.
ગાઝીપુર બોર્ડરે આંદોલનની આગેવાની કરી રહેલા રાકેશ ટિકૈતે કહ્યું છે કે સરકારને કોઈ વાતચીત કરવી હોય તો તે કરી શકે છે. આ વાતચીત શરૂઆતમાં કરવામાં આવી હોત તો કિસાનોના મૃત્યુની ઘટના ન બની હોત. ટિકૈતે કહ્યું હતું કે, સંસદમાં કૃષિ કાયદાને નિરસ્ત કરવાનો અને એમએસપી માટે ગેરન્ટી આપવામાં આવ્યા બાદ જ કિસાન આંદોલન પરત ખેંચવામાં અવોશ. બીજી તરફ કિસાન નેતા દર્શન પાલ સિંહે પણ કહ્યું હતું કે, આંદોલન જારી રહેશે અને 22 નવેમ્બરના લખનઉ રેલીને સફળ બનાવવાની છે. જો લખીમપુર ખીરીમાં કિસાનોને પરેશાન કરવાની કોશિશ કરવામાં આવશે તો ત્યાં ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer