ખાડી દેશમાં ચીની સૈન્ય મથક : અમેરિકા ચોંક્યું

અબૂ ધાબી તા.20 : ભારત વિરૂદ્ધ ચારે બાજુથી મોરચો માંડી રહેલા ચીને વધુ એક દુસ્સાહસ કરતાં સંયુક્ત આરબ અમીરાતમાં સૈન્ય મથકનું નિર્માણ કરી રહયું છે. ચીનની આવી હરકતથી અમેરિકા ચોંકી ઉઠયું છે અને ખાડી દેશ સાથે બેઠકો અને મુલાકાતનો દોર શરૂ કર્યો છે. અમેરિકાની બાઈડન સરકાર અબૂ ધાબી પાસે ચીનની પોર્ટ પરિયોજનાનું નિર્માણ કાર્ય રોકવા દબાણ વધારી રહી છે. એવું માનવામાં આવે છે કે પોર્ટ પરિયોજનાની આડમાં ચીનનો સૈન્ય ઉદેશ હોઈ શકે છે. વોલ સ્ટ્રીટ જરનલના શુક્રવારના એક અહેવાલથી ભારે ખળભળાટ મચી ગયો હતો. જેમાં ખુલાસો કરાયો હતો કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ ખલીફા પોર્ટ પર એક મોટી ઈમારતના નિર્માણ માટે વિશાળ ખાડો ખોદવામાં આવ્યાનું જાણ્યું છે. આ જગ્યા અબૂ ધાબીથી ઉત્તરમાં 80 કિમી દૂર સ્થિત છે જયાં ચીનના સીઓએસસીઓ શિપિંગ જૂથે એક મોટુ કોમર્શિયલ કન્ટેઈનર ટર્મિનલ બનાવ્યું છે. જેનું સંચાલન પણ શરૂ કરી દીધું છે.
એવું માનવામાં આવે છે કે આ વર્ષની શરૂઆતમાં તપાસથી બચવા નિર્માણાધિન વિશાળ જગ્યાને કવર કરવામાં આવી હતી. અજ્ઞાત સૂત્રોએ જણાવ્યું કે અમેરિકાને ડર છે કે ચીન વેપાર અને વેકિસન કૂટનીતિના માધ્યમથી વૈશ્વિક ધાક જમાવવા અને પોતાના ઉદેશોને સિદ્ધ કરવા ખાડી દેશમાં એક સૈન્ય મથક ઉભું કરવા પ્રયાસ કરી રહ્યું છે.
બીજીતરફ આ રિપોર્ટ સામે આવ્યા બાદ બાઈડેન તંત્ર હરકતમાં આવતાં યુએઈ સરકારે ચીન સાથે કોઈ સૈન્ય સમજૂતી ન થયાનો અને આવો કોઈ ઈરાદો ન હોવાનો બચાવ કર્યો હતો. વ્હાઈટ હાઉસે યુએઈને ચીનની હાજરીથી દ્વિપક્ષિય સંબોધોને અસર થવાની ચેતવણી આપી હતી. અમેરિકામાં ચીની દૂતાવાસે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પહેલા રાષ્ટ્રપતિ બાઈડેને મે-ઓગષ્ટ દરમિયાન ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદ સાથે વાતચીત દરમિયાન ચીનની વધતી હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer