ગુજરાતના બુકીને કોર્ટે પહેલા જામીન આપ્યા, પછી પોતાના ઓર્ડર સામે સ્ટે આપ્યો

એન્ટાલિયા બૉમ્બ પ્રકરણ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની સ્પેશિયલ કોર્ટે શનિવારે એન્ટાલિયા બૉમ્બ કેસ અને થાણેના બિઝનેસમેન મનસુખ હિરનની હત્યા કેસમાં પકડવામાં આવેલા ગુજરાતના ક્રિકેટ બુકી નરેશ ગોરને પહેલા જામીન આપ્યા હતા. જોકે, એ સામે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈ) વાંધો ઉઠાવતા કોર્ટે જામીન સામે 25 દિવસનો સ્ટે આપ્યો હતો. એનઆઈએના વકીલે કહ્યું હતું કે અમે જામીનને હાઈકોર્ટમાં પડકારવા માગીએ છીએ. ટૂંકમાં કોર્ટે પોતાના જ ચુકાદા સામે સ્ટે આપ્યો હતો. 
આ કેસમાં ડિસમિસ પોલીસ ઓફિસર સચીન વાઝે મુખ્ય આરોપી છે અને આ કેસમાં જામીન મેળવનાર નરેશ ગોર પ્રથમ આરોપી છે. 
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ હાઈ કોર્ટનો એક ચુકાદો ટાંકતા કહ્યું હતું કે સ્પેશિયલ કોર્ટ તેના ચુકાદા સામે સ્ટે આપી શકે છે. જોકે નરેશ ગોરના વકીલોએ આ સામે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે કાયદામાં આવી કોઈ જોગવાઈ છે જ નહીં. જોકે, કોર્ટે કહ્યું હતું કે ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈ હેઠળ આ કોર્ટ એના ચુકાદા સામે સ્ટે આપી શકે છે. 
જામીન અરજીમાં નરેશ ગોરએ કહ્યું હતું કે સચીન વાઝે માટે સીમ કાર્ડ ખરીદવાનો જ આરોપ મારા પર મુકવામાં આવ્યો છે. હું નિર્દોષ છું અને મને કેસમા ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. જે ગુનો આચરવામાં આવ્યો છે એમાં મારો કોઈ હાથ નથી. માત્રા ધારાણ અને અટકળોને આધારે મને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. બિઝનેસમેન મનસુખ હિરનના મર્ડરમાં મારી સામે તસુભરના પણ પુરાવા નથી અને મારી લાઈફમાં હું ક્યારેય મનસુખ હિરનને મળ્યો પણ નથી. 
25મી ફેબ્રુઆરીના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના કારમાઈકલ રોડ સ્થિત નિવાસસ્થાન એન્ટાલિયાની પાસે પોલીસેને વિસ્ફોટ સામગ્રી ભરેલી સ્કોર્પિયો મળી હતી. આ સ્કોર્પિયો જેના કબ્જામાં હતી એ મનસુખ હિરનની હત્યા થઈ ગઈ હતી. અને તેની લાશ પાંચ માર્ચે થાણેની ખાડીમાંથી મળી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer