ધર્મની બાબતમાં કાયદો સમીર વાનખેડેની તરફેણમાં : પ્રકાશ આંબેડકર

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની મુંબઈની ઝોનલ અૉફિસના હેડ સમીર વાનખેડેના ધર્મ વિશેના વિવાદના મુદ્દે વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે શનિવારે કહ્યું હતું કે આ વિવાદમાં કાયદો સમીર વાનખેડેની તરફેણમાં છે. 
મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે એવો આક્ષેપ કર્યો છે કે સમીર વાનખેડે જન્મે મુસ્લિમ છે, પણ સરકારી નોકરી મેળવવાં તેમણે દસ્તાવેજોમાં ચેડાં કર્યા છે અને પોતાને હિન્દુ શેડયુલ્ડ કાસ્ટના બતાવી નોકરી મેળવી છે. 
પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે કેરળની એક વ્યક્તિનો આવો જ એક કેસ સુપ્રીમ કોર્ટમાં થોડા વર્ષો પહેલાં આવેલો અને કોર્ટે આ વ્યક્તિની તરફેણમાં ચૂકાદો આપેલો. આ વ્યક્તિના માતા-પિતાનો ધર્મ ખ્રિસ્તી હતો અને તેને મા-બાપનો ધર્મ જોઈતો નહોતો. આ કેસનો ચુકાદો 25 ફેબ્રુઆરી, 2015ના આવેલો અને આ કેસ સમીર વાનખેડેના કેસ જેવો જ છે. આ વ્યક્તિના જન્મ પહેલા તેના માતા-પિતાએ ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરેલો, પણ અરજદાર વ્યક્તિએ તેના વડવાનો ધર્મ સ્વીકાર કર્યો હતો, જેઓ બિન ખ્રિસ્તી હતા. સુર્પીમ કોર્ટે આ વ્યક્તિની અપીલને માન્ય રાખી હતી અને કહ્યું હતું કે અરજદાર પુખ્ત વયનો હોવાથી એ તેના વડવાઓનો ધર્મ સ્વીકારી શકે છે. તેમણે કહ્યું હતું કે સમીર વાનખેડેનો કેસ પણ લગભગ આવો જ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer