જ્યુડિશિયલ કસ્ટડીના આરોપીને પોલીસ કસ્ટડીમાં મુકતા પોલીસને દંડ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.20 : ન્યાયાધીશે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવાનો આદેશ આપ્યો, છતાં આરોપીને પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં મુકતા અદાલતે પોલીસને ઠપકો આપ્યો છે. આ મામલે સંબંધિત આરોપીને વીસ હજાર રૂપિયાની નુકસાન ભરપાઇ આપવાનો આદેશ આપી સંબંધિત પોલીસ અધિકારીઓની તપાસના આદેશ આપી યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ અદાલતે મહારાષ્ટ્ર સરકારને આપ્યા છે. 
આરોપીની પત્ની સાદિકબી શેખ (28)એ કરેલી હોર્બિયસ કોર્પસ અરજી ઉપર ન્યાયાધીશ એસ. એસ. શિંદે અને ન્યાયાધીશ એન. જે. જમાદારની ખંડપીઠે ઉપરોકત આદેશ આપ્યો હતો. પતિ મોહમ્મદ ઉસ્માન શેખને શિવાજી નગર પોલીસે ગેરકાયદે તાબામાં રાખ્યો છે અને તેને અદાલત સામે હાજર કરવાનો આદેશ આપવાની માગણી અરજકર્તાએ કરી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે પોલીસ કસ્ટડીનો સમયગાળો નિશ્ચિત કરાયો છે. જ્યુડિશિયલ કસ્ટડીના આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખતા આરોપી નુકસાન ભરપાઇને પાત્ર બને છે એવી સ્પષ્ટતા અદાલતે આદેશ આપતા સ્પષ્ટતા કરી છે. ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા શેખને ગત 28મી જુલાઇએ કુર્લા અદાલતે પહેલીવાર 30મી જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી આપી હતી. જજે તેને આગામી સુનાવણીમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપી હતી. તેમ છતાં શેખને શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં રખાયો હતો. જેને પગલે અરજકર્તાએ સંબંધિત પોલીસ અધિકારી ઉપર શિસ્તભંગની કાર્યવાહી અને નુકસાનીનું વળતર આપવાની માગણી કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer