ખાદ્ય તેલોમાં આયાત 63 ટકા વધી છતાં ભાવ કાબૂ બહાર : કૈટ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : ભારતની ખાદ્યતેલની આયાત વર્ષ 2020-21માં લગભગ 131.3 લાખ ટન ઉપર સ્થિર રહી હતી, પરંતુ આયાતના આંકડા અનુસાર કિંમત બાબતે ખાદ્યતેલની આયાત 63 ટકા વધીને રૂ.1.17 લાખ કરોડ થઇ હતી. નવેમ્બરથી અૉકટોબર સુધી આયાતમાં નફો થયો હોવા છતાં વર્ષભરમાં કિંમતો બેકાબૂ જ રહી હોવાનું અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા `કૈટ'ના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું. 
ઠક્કરે જણાવ્યું હતું કે વર્ષ 2020-21 દરમિયાન વનસ્પતિ તેલોની આયાત 135.21 લાખ ટન થઇ છે. જ્યારે વર્ષ 2019-20 દરમિયાન 135.25 લાખ ટન હતી. વનસ્પતિ તેલોની આયાત ગત છ વર્ષોમાં બીજીવાર સૌથી ઓછી આંકવામાં આવી હતી. આંકડાવારી અનુસાર ખાદ્યતેલની આયાત વર્ષ 2020-21માં ગયા વર્ષના 131.75 લાખ ટનથી ઘટીને 131.31 લાખ ટન નોંધાઇ હતી, જ્યારે અખાદ્ય તેલની આયાત 3,49,172 ટનથી વધીને 3,99,822 ટન પહોંચી ગઇ છે. અખાદ્ય તેલની આયાતમાં વધારાનું કારણ ભારતમાં બાયોડિઝલ બનાવવા પર સરકારે વધુ ભાર મૂકયો છે. જેને પગલે ઉત્પાદકો દ્વારા અખાદ્ય તેલોની આયાત મોટાપાયે થઇ રહી છે. કિંમત બાબતે ખાદ્યતેલની આયાત વર્ષ 2020-21માં રૂા. 1,17,000 કરોડ હતું, જ્યારે વર્ષ 2019-20માં રૂા. 71,625 કરોડ નોંધાયું હતું. એસોસિયેશન અનુસાર ભારત સરકાર દ્વારા ગત કેટલાક મહિનામાં ખાદ્યતેલો પર આયાત ફીમાં સતત બદલાવની અસરે વેપારને ડામાડોળ કરી દીધો છે. 
ઇન્ડોનેશિયા અને મલેશિયા ભારતને આરબોડી પામોલિન અને પામતેલ મોટા પ્રમાણમાં પૂરું પાડે છે. કાચું સોયાબીન તેલ મુખ્યત્વે આર્જેન્ટિના અને બ્રાઝિલથી આયાત થાય છે. સૂર્યમુખી તેલ યુક્રેન, રશિયા અને આર્જેન્ટિનાથી આયાત થાય છે. પહેલી નવેમ્બરે વિવિધ પોર્ટ ઉપર તેલોનો પુરવઠો 5,65,000 ટન અને `પાઇપલાઇન' સ્ટોક 1,14,01,000 ટન હોવાનો અંદાજ છે. કુલ જથ્થો 17,05,000 ટન છે. પહેલી અૉકટોબર સુધીમાં સ્ટોક 20.05 લાખ ટનથી ઘટી ગયો છે.  
કેન્દ્ર સરકારે પાલીમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે રૂા. 11,040 કરોડનું રોકાણ પામતેલ માટે કર્યુ છે. તેનો અમલ તાકિદે થવો જોઇએ જેથી આયાત ઓછી થાય અને સરકારી તિજોરી પરનો બોજ હળવો થાય.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer