ક્રુઝ ડ્રગ્સ કેસ કાવતરું હોવાના પૂરાવા નથી : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : ક્રુઝ ડ્રગ્સ કેસના બધા આરોપીઓનો ગુનો આચરવાનો કોમન ઈરાદો હતો એવા મતલબનો વિશ્વાસ બેસે એવા કોઈ નક્કર પુરાવા કોર્ટમાં રજૂ કરાયા નથી. કેસમાં બધા આરોપીઓને એક જ ગણવા જોઈએ એવી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની દલીલનો છેદ પણ કોર્ટે ઉડાવી દીધો હતો. 
કોર્ટે કહ્યું છે કે આર્ન ખાન તથા અર્બાઝ મર્ચન્ટ મુનમુન સાથે પ્રવાસ કર્યો નહોતો અને ત્રણે આ ગુના બાબતે એકસરખું વિચારતા હોય એવું પણ નથી. ત્રણે વચ્ચે જો કોઈ કાવતરું હોય તો એના પુરાવા રજૂ કરાયા નથી. ત્રણે આરોપી 25 દિવસ જેલમાં રહ્યા છે અને તેમણે નશીલા પદાર્થનું સેવન કર્યું હતું કે કેમ એની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ કોઈ મેડિકલ જાંચ પણ કરાવી નથી. 
ચુકાદામાં જણાવાયું છે કે આર્યન ખાન પાસેથી કોઈ નશીલા પદાર્થ મળ્યા નહોતા એ વિશે કોઈ વિવાદ નથી, જ્યારે અર્બાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા પાસેથી ડ્રગ્સ મળેલાં, પણ એનું પ્રમાણ સાવ નજીવું હતું. આવા કેસોમાં આરોપીઓ કાવતરું રચ્યું હતું કે કેમ એ વિશે પ્રાથમિક પુરાવા છે કે કેમ એ કોર્ટે જોવું જરૂરી છે. એ ઉપરાંત આરોપી સામે કાયદાની 29મી કલમ (ફોજદારી કાવતરું રચવાની) વાજબી રીતે લગાડવામાં આવી છે કે કેમ એ પણ તપાસવાનું જરૂરી છે. ત્રણેએ ભેગા મળીને કોઈ કાવતરૂ રચ્યું હોવાનું કોર્ટને લાગતું નથી. ત્રણે ક્રુઝ શીપ પર સાથે હતા, એટલે કાવતરાની 29મી કલમ લાગું કરાઈ એ બરાબર નથી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની તમામ દલીલો માની લઈએ તો પણ આ કેસમાં આરોપીઓને મહત્તમ એક વર્ષની સજા થઈ  શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer