સુનીલ શિંદેએ આદિત્ય ઠાકરે માટે વિધાનસભાની બેઠક છોડી ત્યાગ કર્યો છે : રાઉત

રામદાસ કદમ અમારા સાથી છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : શિવસેનાના નેતા રામદાસ કદમની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હોવાથી મુંબઈ પાલિકાની વિધાનપરિષદની બેઠક માટે તેમના બદલે સુનીલ શિંદેને ઉમેદવારી આપવામાં આવી તે અંગે પક્ષના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું છે કે રામદાસ કદમ શિવસેનાના નેતા અને કટ્ટર શિવસૈનિક છે. સુનીલ શિંદે પણ કટ્ટર શિવસૈનિક છે. તેમણે મહારાષ્ટ્રના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરે માટે વરલી વિધાનસભાની બેઠક ખાલી કરી છે તે ત્યાગ છે. કદમે અનેક વર્ષ શિવસેનાનું નેતૃત્વ કર્યું છે. પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમની નિષ્ઠાને યાદ રાખી છે. એમ રાઉતે ઉમેર્યું હતું.
ઓડિયો ક્લીપને કારણે રામદાસ કદમ ઉપર અન્યાય થયો છે કે કેમ એ પ્રશ્નનો ઉત્તર આપવાનું રાઉતે ટાળ્યું હતું. રાઉતે જણાવ્યું હતું કે રામદાસ કદમે અનેક વર્ષ પક્ષ માટે કામ કર્યું છે. તે અનેક વર્ષ વિધાનસભ્ય હતા. અનેક વર્ષ પ્રધાન હતા. વિધાનપરિષદમાં પણ તેમણે પક્ષનું નેતૃત્વ કર્યું હતું. તે અમારા સાથી છે અને અમે સાથે કામ કરશું.
હવે રામદાસ કદમ માર્ગદર્શકની ભૂમિકા અદા કરશે? એવા પ્રશ્નના ઉત્તરમાં રાઉતે જણાવ્યું હતું કે શું હું કંઈ માર્ગદર્શક છું? એવો સામે પ્રશ્ન પૂછ્યો હતો અમે પક્ષના નેતૃત્વ છીએ. બાળાસાહેબ ઠાકરેએ અમને બધાને પક્ષના નેતા તરીકે નીમ્યા છે. અમે અનેક વર્ષથી પક્ષનું કામ કરીએ છીએ. કોઈએ નારાજ થવાનું કારણ નથી.
અહીં ઉલ્લેખનીય છે કે રામદાસ કદમ અને મહારાષ્ટ્રના વાહનવ્યવહાર અનિલ પરબ વચ્ચે અણબનાવ છે. અનિલ પરબના ભ્રષ્ટાચારની વિગતો ભાજપના નેતાઓને કદમે આપી હોવાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. તેના પગલે કદમની ટિકિટ કપાયાની ચર્ચા રાજકીય વર્તુળોમાં છે.
કૃષિકાયદા પાછા ખેંચાવા અંગે રાઉતે જણાવ્યું હતું કે તેના દ્વારા દેશમાં કૉર્પોરેટ જમીનદારી લાદવાની હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની જે પ્રકારે વ્યાપાર માટે દેશમાં ઘૂસી હતી અને દેશને ગુલામ બનાવ્યો હતો. તે પ્રકારે મૂડીવાદીઓને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી ખેડૂતોની જમીન ઉપર કબજો જમાવ્યા કાયદો ઘડવામાં આવ્યો હતો. ખેડૂતોએ એકથી દોઢ વર્ષ રસ્તા ઉપર તાપ, ગઢ અને વરસાદ સહન કર્યા હતા. લોહી, બલિદાન, પ્રધાન પુત્રએ કચડયા અને પોલીસે ગોળીબાર કર્યા, પરંતુ પંજાબ અને હરિયાણાના ખેડૂતે પીછેહઠ કરી નહીં. વડા પ્રધાન મોદી કહે છે કે ફક્ત બે રાજ્યના ખેડૂત હતા. પણ તેઓ આખા દેશના ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. આખરે કેન્દ્ર સરકારે નમવું પડયું છે. 700 ખેડૂતોએ તેના માટે બલિદાન આપ્યું છે. ત્રણ કૃષિકાયદા રદ થયા તે ખેડૂતો માટે સ્વાતંત્ર્ય દિન જ છે. એમ રાઉતે ઉમેર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer