ટ્વીટરને કેન્દ્રની અંતિમ ચેતવણી

ટ્વીટરને કેન્દ્રની અંતિમ ચેતવણી
નવા નિયમોનો અમલ નહીં તો કાનૂની કાર્યવાહી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 5 : ભારત સરકાર અને ટ્વીટર વચ્ચે ટકરાવ વધતો જ જાય છે. માઇક્રોબ્લોગિંગ સાઇટને અંતિમ ચેતવણી આપતાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, નવા નિયમનો તરત જ અમલ કરો, નહિતર કાનૂની કાર્યવાહી થશે.
સરકારનું કહેવું છે કે, 90 દિવસનો સમય આપ્યા પછી પણ ટ્વીટરે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નવા નિયમો પૂર્ણ રીતે લાગુ કર્યા નથી.
મોદી સરકારે ટ્વીટર ઇંડિયાને અંતિમ નોટિસ આજે મોકલતાં તાત્કાલિક અસરથી એક સ્થાનિક ફરિયાદ અધિકારી અને એક નોડેલ સંપર્ક વ્યક્તિ નિયુકિત કરીને તે અંગે જાણકારી આપવા જણાવ્યું છે.
નવા દિશાનિર્દેશ 26મી મેથી પ્રભાવી થઇ ગયા છે, આ નિયમોનાં પાલન માટે સોશિયલ મીડિયા કંપનીઓને અપાયેલી ત્રણ મહિનાની સમય મર્યાદા પણ પૂરી થઇ ગઇ છે.
અવધિ પૂર્ણ થઇ ગયા બાદ પણ ટ્વીટરે ભારતમાં મુખ્ય અનુપાલન અધિકારી, ફરિયાદ અધિકારી નિયુક્ત કર્યા નથી, તેવું સરકારે જણાવ્યું હતું.નોટિસ મુજબ, માઇક્રોબ્લોગિંગ સાઇટ આ નવા નિયમોનું પાલન કરવામાં હવે નિષ્ફળ રહેશે, તો હવે  તેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે.
ઉલ્લેખનીય છે કે, ટ્વીટર દ્વારા દિલ્હી હાઇકોર્ટ સમક્ષ એવો દાવો અગાઉ કરાયો હતો કે, સાઇટે નવા નિયમોનું પાલન શરૂ કરી દીધું છે.
દરમિયાન, આજે ટ્વીટરે ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને કેટલીક નામાંકિત વ્યકિતવિશેષોના અંગત એકાઉન્ટના બ્લૂ ટિક વેરિફિકેશન બેજને હટાવી દીધા હતા. જોકે આ મામલે હોબાળો મચતા ગણતરીના કલાકોમાં બ્લૂ ટિક પૂર્વવત્ કરાયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer