ઇથેનોલને પ્રાથમિકતા; સજીવ ખેતીથી સમૃદ્ધિ

ઇથેનોલને પ્રાથમિકતા; સજીવ ખેતીથી સમૃદ્ધિ
પર્યાવરણ દિને વડા પ્રધાનનો મંત્ર 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી,  તા. 5 : દુનિયાભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા અલગ અલગ રાજ્યમાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. તેમણે આ વિડીયો કોન્ફરન્સ દ્વારા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય તથા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજીત પર્યાવરણ દિવસ કાર્યક્રમને સંબોધન કરતાં કિસાનો સાથે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા સજીવ ખેતીનું આહવાન કર્યું હતું.
મોદીએ ઇથેનોલ અને બાયોગેસના ઉપયોગ પર મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશનાં ખેડૂતો સાથે વાત કરી હતી, સાથે એમ પણ કહ્યું હતું કે, ખેડૂતોને ધરતીમાતાને બચાવવા માટે વિવિધ ખેતી પર ધ્યાન આપવું જોઇએ. તેમણે કહ્યું કે, ઇથેનોલ ભેળવવાથી શેરડીના ખેડૂતોને ફાયદો થયો છે, સાથે કિસાનોને કૃષિ ઉદેશો માટે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરવાનો પણ આગ્રહ કર્યો છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાને ભારતમાં 2020-2025 દરમિયાન ઇથેનોલ મિશ્રણ સંબંધિત રોડમેપ અંગે વિશેષજ્ઞ સમિતિનો હેવાલ રજૂ કર્યો હતો. પી.એમ. મોદીએ પૂણેમાં ત્રણ સ્થળે ઇથેનોલ ઇંધણના વિતરણ મથકના પાયલોટ પ્રોજેકટનો આરંભ પણ કર્યો હતો. પીએમએ જણાવ્યું કે, સાત-આઠ વર્ષ અગાઉ ભારતમાં ઇથેનોલ પર ચર્ચા દુર્લભ હતી, પરંતુ હવે ઇથેનોલ ભારતની 21મી સદીની પ્રાથમિકતા સાથે જોડાયું છે. પર્યાવરણની સાથે-સાથે ખેડૂતોના જીવન સુધારણામાં પણ તે મદદરૂપ થયું છે. તેમણે જણાવ્યું કે અમે 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગને પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે. 2014 સુધીમાં સરેરાશ ફક્ત 1-1.5 ટકા ઇથેનોલ બ્લેન્ડ કરવામાં આવતું હતું અને વર્તમાન સમયમાં આશરે 8.5 ટકા બ્લેન્ડિંગ થઇ રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત જળવાયુ પરિવર્તન માટે જાગૃતતા પણ છે. અને સક્રિયતાથી કામ પણ કરે છે. છેલ્લા છ-સાત વર્ષમાં દેશની રિન્યુઅલ ઊર્જાના મામલે ભારત આજે વિશ્વના ટોપ પાંચ દેશોમાં છે. વિતેલા છ વર્ષમાં સૌર ઊર્જાની ક્ષમતામાં 15 ગણો વધારો થયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer