ભારતે વૅક્સિન પાસપોર્ટનો કર્યો વિરોધ

ભારતે વૅક્સિન પાસપોર્ટનો કર્યો વિરોધ
જી-સેવન દેશોની બેઠકમાં  આરોગ્યપ્રધાને આ નીતિને ભેદભાવપૂર્ણ ગણાવી
નવી દિલ્હી, તા. 5 : પૂરી દુનિયામાં ફેલાયેલી કોરોના મહામારીને ધ્યાને લઈને ઘણા દેશોએ વેક્સિન પાસપોર્ટનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ભારત સરકારે પ્રસ્તાવિત વેક્સિન પાસપોર્ટના મુદ્દે વિરોધ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જી7 બેઠકમાં અન્ય દેશોના સમકક્ષો સામે કહ્યું હતું કે, વેક્સિન પાસપોર્ટની નીતિ ભેદભાવપૂર્ણ સાબિત થઈ શકે છે. સાત વિકસીત દેશોની આ બેઠકમાં ભારતને ચાલુ વર્ષે અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યું હતું. બેઠકમાં ડો. હર્ષવર્ધને વિકાસશીલ દેશોમાં રસીની ઉપલબ્ધતા અને રસીકરણના ઓછા દર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 
હર્ષવર્ધને કહ્યું હતું કે, વિકસિત દેશોની તુલનાએ વિકાસશીલ દેશોમાં રસીકરણના ઓછા દરને ધ્યાને રાખીને આ પહેલ ઉચિત નથી. વેક્સિન પાસપોર્ટ વિકાશીલ દેશો માટે ખૂબ જ ભેદભાવપૂર્ણ અને નુકશાનકારક સાબિત થશે. વિકાસશીલ દેશો માટે હજી રસીકરણ દરમાં વધારો અને સુગમતાને વધુ મજબૂત કરવા ઉપર ધ્યાન દેવાની જરૂર છે. ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે, ભારત સૂચન કરશે કે નીતિને રસીની અસરકારકતાના પુરાવા અને ડબલ્યુએચઓના સૂચનોને ધ્યાને લઈને લાગુ કરવી જોઈએ. ઉલ્લેખનિય છે કે જી7ના સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકમાં ભવિષ્યની મહામારી અને અન્ય જોખમો સામે સમન્યવ વધારવા માટે સહમતિ બની હતી પણ દેશોમાં રસીના વિતરણમાં ઝડપ લાવવા માટે કોઈ નવી પ્રતિબદ્ધતા બનાવવામા આવી નહોતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer