58 દિવસે કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો

નવા સંક્રમિતો 1.20 લાખ; 1,97,894 સાજા થયા
નવી દિલ્હી, તા. 5 : છેલ્લા બે મહિના જેટલા સમયમાં એટલે કે, 58 દિવસમાં સૌથી ઓછા 1,20,529 નવા દર્દીના ઉમેરા સાથે ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 2.86 કરોડને પાર, બે કરોડ, 86 લાખ, 94,879 થઈ ગઈ છે. દેશમાં 24 કલાક દરમ્યાન વધુ 3380 દર્દીઓને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ 3,44,082 દર્દી જાન ગુમાવી ચૂક્યા છે.
ભારતના વિવિધ ભાગોમાં શનિવારે વધુ 1,97,894 સંક્રમિતો ઘાતક સંક્રમણ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ 2.67 કરોડથી વધુ બે કરોડ, 67 લાખ, 95,549 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.
દેશમાં સક્રિય કેસોની સંખ્યા લગાતાર ઘટતી જઈ રહી છે. આજની તારીખે કુલ 15,55,248 સંક્રમિતો સારવાર હેઠળ છે. આજે સળંગ પાંચમા દિવસે 20 લાખથી નીચે રહેતા સક્રિય કેસોનું પ્રમાણ કુલ દર્દીઓના આંક સામે ઘટીને માત્ર 5.73 રહી ગયું છે. દેશમાં નવા દર્દીઓ કરતાં સાજા સંક્રમિતોની સંખ્યા શનિવારે 23મા દિવસે વધુ આવતા રિકવરી રેટ વધીને 93.08 ટકા થઈ ગયો છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) તરફથી મળતી માહિતી મુજબ, દેશમાં અત્યાર સુધી કુલ 
ટેસ્ટનો આંક 36 કરોડને આંબી ગયો છે. દેશમાં અત્યાર સુધી થયેલા કુલ મોતમાંથી 98,711 મોત સાથે મહારાષ્ટ્ર મોખરે છે. ત્યારબાદ કર્ણાટકમાં 30,895 મોત થયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer