મોદી સરકારના વૅક્સિનેશન વ્યૂહને ભૂલ ભરેલો ગણાવતી કૉંગ્રેસ

નવી દિલ્હી, તા. 5: દેશભરના કોંગ્રેસના નેતાઓ અને અગ્રણીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક આવેદનપત્ર પાઠવીને તેમને એવી વિનંતિ કરી હતી કે તેઓ સરકારે સાર્વત્રિક મફત વેક્સિનેશન કાર્યક્રમની ખામી માટે જણાવે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ મહામારીને રોકવા માટેનો આ એકમાત્ર રસ્તો છે. વિવિધ રાજ્યોની જિલ્લા અને પ્રદેશ કોંગ્રેસ કમિટીએ રાષ્ટ્રપતિને સુપ્રત કરવા માટેનું એક આવેદન જે તે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટોને અને રાજ્યના ગવર્નરોને સુપ્રત કર્યું હતું.
કોવિડ-19ની વધતી જતી મહામારીને ડામવા માટે વેક્સિનેશન એકમાત્ર રક્ષણનો માર્ગ છે. મોદી સરકારનો વેક્સિનેશનનો વ્યૂહ એ ભૂલો અને ખોટા પગલાઓનું જોખમી મિશ્રણ છે, એમ આ સમાન નિવેદનમાં દર્શાવાયું છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે હાલના સમયે કેન્દ્રને ભાજપ સરકાર વેક્સિનનો જથ્થો પ્રાપ્ત કરે અને ભારતની પ્રજાને વેક્સિન માટે રાજ્યોની અને ખાનગી હોસ્પિટલોને વેક્સિન પૂરી પાડે તે જરૂરી છે. આનાથી કંઇપણ ઓછું એ ભારતની પ્રજાની મોટી કુસેવા સમાન ગણાશે. તેમણે એવી પણ માગ કરી છે કે દેશની 18 વર્ષથી ઉપરની સંપૂર્ણ વસતિને 31 ડિસેમ્બર 2021 પહેલા વેક્સિન આપી દેવી જોઈએ. લોકોને બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે અને આ માટે દરરોજ એક કરોડ લોકોને વેક્સિન આપવાનો છે અને નહીં કે હાલ સરેરાશ રોજના 16 લાખ લોકોને રસી અપાય છે તે. આથી અમે આપને (રાષ્ટ્રપતિને) એવી વિનંતિ કરીએ છીએ કે મોદી સરકારને સૂચના આપો કે દરરોજ 1 કરોડ લોકોને મફત વેક્સિન આપવામાં આવે. કોવિડ-19 સામે લડવાનો આ એકમાત્ર રસ્તો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer