મનસુખ હિરેનને ઝેર અપાયું નહોતું : વિસેરા તપાસ અહેવાલ

થાણે, તા. 5 : થાણેના વેપારી મનસુખ હિરેનના હત્યા કેસની તપાસ કરનાર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને હિરેનને કોઇપણ પ્રકારનું ઝેર ન આપ્યું હોવાનો વિસેરા અહેવાલ મળ્યો છે. આ અહેવાલ અનુસાર મનસુખ હિરેનના શરીરમાં કોઇપણ ઝેરી પદાર્થ કે દ્રવ્ય મળ્યું નથી એમ જણાવાયું છે. આ પૂર્વે પોસ્ટમૉર્ટમ અહેવાલમાં મનસુખ હિરેનના મૃત્યુનું કારણ અસ્પષ્ટ હતું. 
આ કેસની તપાસ કરી રહેલી એનઆઇએને ડાયટોપ અહેવાલ મળ્યો છે જેમાં કોઇપણ ઝેરી પદાર્થ તેને ન અપાયો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. મનસુખના ફેફસાંમાં ખાડીનું પાણી મળી આવ્યું હોવાની સ્પષ્ટતા કરાઇ છે.  આ બાબતનો અહેવાલ પહેલા થાણે પોલીસ સ્ટેશને મોકલાયો હતો અને ત્યારબાદ અહેવાલ એનઆઇએને સુપરત કરાયો હતો. 
પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર મનસુખ હિરેનની હત્યામાં પાણીમાં ડૂબી જવાની શકયતા વ્યકત કરવામાં આવી હતી. તેમ જ મૃતદેહ પાણીમાં ઉપર જલદી આવે નહીં તે માટે આરોપીઓએ મનસુખના મોઢામાં રૂમાલ ઠૂંસી દીધો હતો.
 મનસુખ હિરેન હત્યા કેસમાં આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302, 201, 34 તથા 120 બી અંતર્ગત હત્યા, યોજના ઘડવી, પુરાવા નષ્ટ કરવા હેઠળ ગુના નોંધાયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer