વુહાન લેબમાંથી વાયરસ લીક થયાની થીયરી કાવતરું : ચીન

અમેરિકાએ તપાસનો સકંજો કસતાં ચીને આરોપ ફગાવ્યા
બેજિંગ, તા.5 : કોરોના વાયરસની ઉત્પતિ મામલે અમેરિકાએ સઘન તપાસ હાથ કરી સકંજો કસતાં ચીને વુહાન લેબમાંથી વાયરસ લીક થયાનો ઈન્કાર કરી લીક થિયરીને એક કાવતરૂ ગણાવ્યુ છે.
અમેરિકી રાષ્ટ્રપતિના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર એંથની ફૌચી સહિત વિશ્વના અનેક વૈજ્ઞાનિકો કોરોના વાયરસની ઉત્પતિ અંગે ચીન સામે આંગળી ઉઠાવી ચૂકયા છે તેવા સમયે ચીન પોતાને જ પીડિત તરીકે પ્રસ્તુત કરી રહયુ છે ! અમેરિકાએ વુહાન લેબમાં કામ કરતાં 9 કર્મચારીઓનો મેડિકલ રિપોર્ટ માગ્યા બાદ પ્રતિક્રિયામાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકત્તા વાંગ વેનબિને અમેરિકી રિપોર્ટને ટાંકી દાવો કર્યો કે ડૉ.ફૌચી જ અગાઉ વુહાન લેબમાંથી વાયરસ લિક થયાના કાવતરાનો ઈન્કાર કરી ચૂકયા છે. કોરોના વાયરસની ઉત્પતિની તપાસ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના ઘણાં નિષ્ણાતોએ વૈજ્ઞાનિક, તર્કસંગત, વસ્તુનિષ્ઠ અને નિષ્પક્ષ અવાજ ઉઠાવ્યો છે. અમેરિકામાં ડૉ.ફૌચીના હજારો ઈમેલનો ડેટા સામે આવ્યા બાદ વાયરસ અંગે લેબ લિક થિયરીને બળ મળ્યુ છે. જો કે ચીન પોતાની વાત પર અડગ છે અને વાયરસ લીક થિયરીને પોતાના વિરૂદ્ધ કાવતરૂ ગણાવ્યુ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer