રસી લઈ લીધી હોય એવા લોકોને લોકલમાં પ્રવાસની છૂટ નકારાતાં વેપારીઓ નારાજ

નિયંત્રણોમાં થોડી છૂટછાટને આવકાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકા અને મુંબઈ પાલિકાએ બહાર પાડેલા આદેશને પગલે સાતમી જૂનથી શહેરમાં લૉકડાઉન જેવાં નિયંત્રણો થોડાં હળવાં થવાનાં છે, તેને વેપારી આગેવાનોએ આવકાર આપ્યો છે આમ છતાં તેઓએ મુંબઈગરાની અપેક્ષા નહીં સંતોષાઈ હોવાનું જણાવ્યું છે.
ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનના વડા વીરેન શાહે જણાવ્યું હતું કે દુકાનદારોને આપવામાં આવેલી થોડી છૂટછાટ આવકાર્ય છે આમ છતાં મુંબઈમાં વાહનોની ભીડ નિવારવા માટે લોકલ ટ્રેનોમાં નાગરિકોને પ્રવાસ કરવાની છૂટ અપાઈ હોત તો તે યોગ્ય લેખાત. મહારાષ્ટ્ર સરકાર જે નાગરિકોએ કોરોનાની રસીનો એક ડૉઝ લીધો છે તેઓના સર્ટિફિકેટને આધારે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની છૂટ આપી હોત તો તે યોગ્ય લેખાત. લોકલ ટ્રેનો બંધ હોવાથી પ્રવાસીઓ `બૅસ્ટ'ની બસનો આશરો લે છે તેથી બસોમા બેસુમાર ભીડ થાય છે. તેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો હેતુ માર્યો જાય છે. આશા છે કે મહારાષ્ટ્રના નિષ્ણાતોની ટુકડી આ બાબત વિશે સમીક્ષા કરશે.
`કેટ'ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે દુકાનોને વધુ સમય ખોલવાની પરવાનગી આપી એ આવકાર્ય બાબત છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાના ઉપદ્રવની તીવ્રતા નક્કી કરવા પાંચ સ્તર બનાવ્યા છે. જે શહેર અથવા જિલ્લામાં કોરોનાનો ઉપદ્રવ કેટલા પ્રમાણ છે ત્યાં તે અનુસાર લૉકડાઉન વધુ તીવ્ર હશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમા કેટલી અસ્પષ્ટતાઓ છે તે સ્પષ્ટ થતા થોડો સમય લાગશે.
`કેટ'ના ઉપાધ્યક્ષ દિલીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાની રસી લેનારાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવાની રજૂઆત પાલિકાના વધારાના આયુક્ત સુરેશ કાકાણી સમક્ષ કરવામાં આવી હતી.
`કૅટ'ના મહામંત્રી તરુણ જૈને જણાવ્યું હતું કે બે માસ લાંબા લૉકડાઉનથી પરેશાન વેપારીઓને મદદરૂપ થવા મહારાષ્ટ્ર સરકારે પ્રૉપર્ટી ટૅક્સ અને લાઈસન્સ ફીમાં છૂટ તેમ જ જીએસટી અને આવકવેરામાં રાહત આપવી જોઈએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer