આગામી સમયમાં ટૂંકાગાળાનું કરેકશન આવશે

શૅરબજારમાં તેજીનો અતિરેક 
સપ્તાહ દરમિયાન સેન્સેક્ષ 1.31 ટકા અને નિફ્ટી 1.51 ટકા વધ્યો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : સતત ત્રીજા અઠવાડિયે સ્થાનિક શૅરબજારો સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા છે. કોવિડ-19ના નવા કેસોમાં ઘટાડો અને સાથોસાથ રસીકરણમાં વધેલી ઝડપ અને કંપનીઓના નફા તેજીને ઈંધણ આપે છે. કંપનીઓના નફા અને જીડીપીનો રેશિયો 10 વર્ષની ટોચે છે. કંપનીઓની આવક ઘટી છે પરંતુ ખર્ચમાં ઘટાડો કરવાથી તેમની નફાશક્તિ વધી છે. નબળા અર્થતંત્રને લીધે જીડીપી વૃદ્ધિની આશા ધોવાઈ છે, એમ સેમકો વેન્ચર્સના સીઈઓ જીમીત મોદીએ કહ્યું હતું.
આ સપ્તાહમાં સેન્સેક્ષ 677.17 પોઈન્ટ્સ (1.31 ટકા) અને નિફ્ટી 234.60 પોઈન્ટ્સ (1.51 ટકા) વધ્યો હતો. 
તેમણે ઉમેર્યું કે મહામારીને લીધે બજાર હિસ્સો અસંગઠિત ક્ષેત્રમાંથી ઘટીને સંગઠિત ક્ષેત્રમાં વધતાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી), નોટબંધી અને રેરાને ધાર્યા મુજબની સફળતા મળશે. રિઝર્વ બૅન્કે અર્થતંત્રમાં લિક્વિડિટીને જાળવી રાખવા માટેનાં પગલાં લીધાં હોવા છતાં બજાર હિસ્સો અસંગઠિતમાંથી સંગઠિત ક્ષેત્રમાં ફેરવાતાં કોરોનાના સેકેન્ડ વેવમાં લોકોની પરિસ્થિતિ બગડી છે, તેમ જ વ્યાજ દર પણ તળિયે છે. 
યુએસ ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કને અનુસરી આરબીઆઈએ પણ વ્યાજ દર યથાવત્ રાખ્યા છે. વૈશ્વિક શૅરબજારો સતત નવી ટોચને સ્પર્શી રહ્યાં છે, તેથી વધુ પડતી તેજીના લીધે આગળ જતા ટૂંકા ગાળાનું કરેકશન આવી શકે છે. 
રોકાણકારોએ ધૈર્ય અને સ્થિરતાથી સારા શૅર્સ ખરીદવા જોઈએ. ક્રૂડતેલના ભાવમાં વધારો અને વર્ષ 2023 માટે ઈથેનોલના મિશ્રણનું લક્ષ્ય 7 ટકાથી વધારીને 20 ટકા કરાતાં ખાંડના શૅરોમાં તોફાની વધઘટ જોવા મળી હતી. રોકાણકારોએ આ ક્ષેત્રના કોઈ પણ શૅર્સ ખરીદતા પહેલા વિવિધ પાસાંઓનું ઊંડું અવલોકન કરવું જોઈએ. 
ટેક્નિકલ દૃષ્ટિએ નિફ્ટી 50 સૂચકાંકને 15,350ની સપાટીએ ટેકો મળશે. આગામી સપ્તાહમાં સરકાર હસ્તક એકમો (પીએસયુ) જેવાં કે સેઈલ, એનટીપીસી, કોલ ઇન્ડિયાના નાણાકીય પરિણામો ઉપર બજારની નજર રહેશે. 
સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાના હિસાબે પીએસયુ શૅર્સમાં વધઘટ જોવા મળશે. રોકાણકારોને સલાહ છે કે પીએસયુ શૅર્સમાં ઓછા સોદા કરે કારણ કે કોઈ પણ સમયે કોઈ મોટા સમાચાર આવી શકે છે. દરમિયાન વૈશ્વિક શૅરબજારો અને કૉમોડિટીના ભાવના હિસાબે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોની ચાલ નક્કી થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer