કૉટનમાં 2,04,275 ગાંસડીના વૉલ્યુમ સાથે વાયદામાં રૂા. 620નો સાપ્તાહિક ધોરણે ઉછાળો

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ
મુંબઈ, તા. 5 : એમસીએક્સ પર વિવિધ કૉમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 28 મેથી 3 જૂનના સપ્તાહ દરમિયાન 23,61,307 સોદાઓમાં કુલ રૂા. 1,72,072.90 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂા.409 વધવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂા.909 ગબડ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડતેલ અને નેચરલ ગૅસ બંને તેજ બંધ થયા હતા. કૃષિ કૉમોડિટીઝમાં કોટનમાં 2,04,275 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂા.620નો સાપ્તાહિક ધોરણે ઉછાળો રહ્યો હતો. કપાસમાં પણ તેજી હતી, જ્યારે સીપીઓ, રબર અને મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 449 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 562 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.  
વિશ્વબજારની વાત કરીએ તો વિશ્વબજારમાં સોનાનો ભાવ જે તાજેતરમાં વધીને પાંચ મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો, તે સપ્તાહના અંતે ફરી ઘટી આ લખાય છે ત્યારે 1 ઔંશદીઠ 1872 ડૉલર બોલાઈ રહ્યો હતો. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ 1 ઔંશદીઠ 27.48 ડૉલરના સ્તરે પહોંચ્યા હતા. આ લખાય છે ત્યારે ડૉલરનો ઈન્ડેક્સ 90.53ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ બોન્ડ યિલ્ડ 1.62ના સ્તરે પહોંચ્યું હતું. અમેરિકામાં પ્રારંભિક જોબલેસ ક્લેમ આગલા 4.05 લાખની સામે 3.85 લાખના સ્તરે રહ્યા હતા. કરન્સી બજારમાં અમેરિકન ડૉલર રૂા.73.03, પાઉન્ડ રૂા.103.18 અને યુરો 88.48ના સ્તરે બોલાઈ રહ્યા હતા. ઘરેલૂ હાજર બજારમાં આમદાવાદ ખાતે સપ્તાહના અંતે ચાંદીનો ભાવ કિલોદીઠ રૂા.72,200 અને સોનાનો ભાવ 99.50ના રૂા.50,400 અને 99.90ના રૂા.50,600 બોલાઈ રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer