મુંબઈ રેલવેની હદમાં સવા બે વર્ષમાં 40 હજાર ચોરી

મુંબઈ, તા. 5 : રેલવે સ્ટેશનોની હદમાં ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. મધ્ય અને પશ્ચિમ રેલવે ઉપનગરીય માર્ગ પર જાન્યુઆરી 2019થી એપ્રિલ 2021 સુધી લગભગ 40, 457 ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. તેમાંથી માત્ર 4762 ગુનાની તપાસ કરવામાં આવી હતી અને 5063 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 
મોબાઇલ ચોરી, પાકિટમાર, સોનાની ચેન અને મંગળસૂત્રની ચોરી સહિત લોકલ ટ્રેનના ડબ્બામાંથી બેગ ઉઠાવી જવાના ગુના લોકલ પ્રવાસ દરમિયાન બનતા હોય છે. પ્રવાસીઓ આ મામલે ફરિયાદ નોંધાવતા હોય છે. પરંતુ ચોરીની ફરિયાદની તપાસ કરી પ્રવાસીને તેમની વસ્તુ પરત કરવાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું જાણવા મળ્યું છે. 
જાન્યુઆરી 2019થી એપ્રિલ 2021 સુધીના સમયગાળામાં 40,457 વિવિધ ચોરીઓની ફરિયાદ રેલવે પોલીસમાં થઇ 
હતી જેમાંથી માત્ર 4762 ગુનાઓની તપાસ કરાઇ હતી. આ સમયગાળામાં મધ્ય રેલવેમાં ગુનાનું પ્રમાણ વધારે હતું. 26,448 ચોરી  તથા 2807 ચોરીઓની તપાસમાં ગુનેગારોને તાબામાં લેવાયા છે. પશ્ચિમ રેલવેમાં 14,009 ચોરીઓ નોંધાઇ હતી જેમાં 1955 ચોરીની તપાસ હાથ ધરાઇ હતી. 
સવા બે વર્ષમાં 5063 ચોરોની ધરપકડ કરાઇ હતી. મધ્ય રેલવેમાં 2956 તો પશ્ચિમ રેલવેમાં 2107 ચોરોની ધરપકડ કરાઇ હોવાની માહિતી રેલવે પોલીસે આપી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer