મીરા-ભાઇંદરમાં કોરોનાના બનાવટી રિપોર્ટના આધારે સારવાર

ઓર્ચિડ હૉસ્પિટલ સામે એફઆઇઆર
થાણે, તા. 5 : મીરા-ભાઇંદર મહાનગર પાલિકાએ કોરોનાની બનાવટી સારવાર કરતી ઓર્ચિડ હૉસ્પિટલ સામે એફઆઇઆર નોંધાવી છે. આ ઉપરાંત અપૂર્વ અને સ્વસ્તિક નામની બે પેથોલૉજી લેબ પર પણ મામલો નોંધવામાં આવ્યો છે. આ કેસ કોરોનાનો બનાવટી પૉઝિટિવ રિપોર્ટ આપીને સારવાર કરવાનો છે. હાલ આ મામલે કોઇપણ ધરપકડ થઇ નથી. વરિષ્ઠ પોલીસ અધિકારી કૈલાશ બર્વેએ જણાવ્યું હતું કે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે હાલ કોઇપણ ધરપકડ ન કરાઇ હોવાનું બર્વેએ ઉમેર્યું હતું.
પોલીસ અનુસાર કોઇપણ વ્યકિત કોરોનાની શંકા સાથે હૉસ્પિટલ કે લેબમાં આવતું તેનો બનાવટી પૉઝિટિવ રિપોર્ટ બનાવી દેવામાં આવતો હતો. ત્યારબાદ તેની સારવાર કરવામાં આવતી અને એક સારી એવી રકમ વસૂલ કરાતી અને દરદીને સાજો કરીને ઘરે જવાની રજા આપી દેવામાં આવતી હતી. આ સંપૂર્ણ મામલે હૉસ્પિટલ અને લેબની મિલીભગત સામે આવી છે. 
મે મહિનાના અંતમાં જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો અને પૉઝિટિવિટી રેટ પણ ઓછો થવા માંડયો હતો તેમ છતાં ઓર્ચિડ હૉસ્પિટલમાં પૉઝિટિવિટી રેટ ઓછો નહોતો થયો. પાલિકા પ્રશાસનને શંકા જતા આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ હૉસ્પિટલમાં અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગને એવા દરદીઓ મળી આવ્યા હતા જેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી, પરંતુ તેમના આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. 
અનેક હૉસ્પિટલો અને લેબ વિશે આવી ફરિયાદો પાલિકાને મળી છે, પરંતુ કોઇપણ હૉસ્પિટલ સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પાલિકા કમિશનર દિલીપ ઢોલેએ જણાવ્યું હતું કે અત્યારે પણ અનેક હૉસ્પિટલો રડાર પર છે અને થોડા સમયમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer