વર્ષા રાઉતને કોરોના, સંજય રાઉતે પણ ટેસ્ટ કરાવવો પડશે

વર્ષા રાઉતને કોરોના, સંજય રાઉતે પણ ટેસ્ટ કરાવવો પડશે
રાઉત શરદ પવારને મળ્યા હોવાથી ટેન્શન
મુંબઈ, તા. 3 : શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતનાં પત્ની વર્ષા રાઉતને કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે દિવસથી તેમને કોરોનાના લક્ષણ દેખાતા હોવાથી ટેસ્ટ કરાવતા સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું હતું. પત્નીને કોરોના થયો હોવાથી હવે સંજય રાઉતે પણ ટેસ્ટ કરાવવો પડશે.
છેલ્લા બે દિવસથી સંજય રાઉતનાં પત્નીને શરદી-ઉધરસ અને તાવની તકલીફ હતી. કોરોનાના લક્ષણો હોવાનું ધ્યાનમાં આવતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ પૉઝિટિવ આવતા તેમને સારવાર માટે મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરાયાં છે.
પત્નીનો ટેસ્ટ પૉઝિટિવ આવતા સંજય રાઉતે પણ નિયમ મુજબ કોવિડનો ટેસ્ટ કરાવવો પડશે. હાલ તુરત તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ હોય એવું જણાયું નથી.
જોકે સંજય રાઉતના ઘરમાં જ કોરોનાનો કેસ મળી આવતા હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ, સંજય રાઉતે તાજેતરમાં જ બ્રીચ કૅન્ડી હોસ્પિટલમાં શરદ પવારની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ લાંબો સમય ચર્ચા કરી હતી. હવે જો સંજય રાઉતને પણ કોરોના થયો હશે તો શરદ પવારનું શું, એવી ચિંતા અનેકને થઈ રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer