ટોટલ નહીં, મિનિ લૉકડાઉન ?

કુન્દન વ્યાસ
મહારાષ્ટ્રના - મુંબઈ સહિતનાં ઔદ્યોગિક કેન્દ્રોમાં લૉકડાઉન જાહેર કરવા અંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિચાર - વિનિમય શરૂ કર્યો છે. તંત્રીઓ અને અખબારી પ્રકાશકો સાથેની વર્ચ્યુઅલ પરિષદમાં એમણે સ્પષ્ટ કહ્યું કે મહામારીના સંક્રમણને રોકવા માટે અત્યારે તાકીદનાં પગલાં નહીં લેવાય તો ભયાનક સ્થિતિ સર્જાશે. પરિસ્થિતિ હાથમાંથી નીકળી જાય તે પહેલાં નિર્ણય લેવાનો અત્યારે જ સમય છે.
સરકાર સમક્ષ તાત્કાલિક સમસ્યા સંક્રમણ રોકવાની છે. રસીકરણ વગેરે ઝડપી બનાવાય છે એને સારવાર માટે વ્યવસ્થા તંત્ર છે પણ વધુ ડૉક્ટરો, નર્સ વગેરેની અછત છે. અત્યારે રાજ્યમાં ઉદ્યોગોને માત્ર 20 ટકા અૉક્સિજન પુરવઠો અપાય છે તે પણ બંધ કરીને 100 ટકા આરોગ્ય માટે અનામત રાખવાનો નિર્ણય પણ લેવાયો છે. આ તમામ પગલાંની અસર સમયાંતરે થશે. તાત્કાલિક પગલાં સંક્રમણ રોકવા માટે અનિવાર્ય છે. હવે આંશિક લૉકડાઉન થાય તો પણ તેની અસર અર્થતંત્ર ઉપર પડશે - તેથી સંપૂર્ણ - ટોટલ લૉકડાઉન ટાળવામાં આવે અને નિયંત્રણો વધુ કડક બનાવાશે એમ જણાય છે. નાના દુકાનદારોની કોવિડ - તપાસ થાય અને નેગેટીવ હોય એમને જ છૂટ મળે એવું પણ એક સૂચન છે પણ તેનો અમલ આસાન નથી.
લૉકડાઉન જાહેર કરવાનું આસાન હોત તો ચાર દિવસ પહેલાં જ જાહેરાત થઈ હોત પણ પ્રશ્ન જીવ બચાવવા કે રોજગારી બચાવવી તે છે અને અત્યારે પ્રાધાન્ય લોકોના જીવ બચાવવાનું છે.
મુખ્ય પ્રધાન કહે છે : આપણી સમક્ષ બે વિકલ્પ છે. ધીમેધીમે લૉકડાઉનનો અમલ કરવો કે તાત્કાલિક લૉકડાઉનના અમલ પછી ધીમેધીમે છૂટછાટ આપવી. આઠથી પંદર દિવસ લૉકડાઉનની મુદત હોય તો તેની અસર કેવી થાય? આ લડાઈ સૌની છે, એકજૂટ બનીને લડવાની છે તેથી મીડિયાએ આવું વાતાવરણ સર્જવું જોઈએ એવો અનુરોધ એમણે કર્યો છે.
સૈકાઓથી આવી મહામારીઓ મહારાષ્ટ્ર - પશ્ચિમ ભારતમાં જ વધુ અસર કરે છે એવું તારણ સંશોધનમાં આવ્યું છે - પણ તેનાં કારણનો જવાબ કોઈ પાસે મળતો નથી. ચૂંટણીની જાહેર સભાઓમાં હજારોની મેદની હોવા છતાં સંક્રમણ કેમ નથી -? મહારાષ્ટ્રએ શું પાપ કર્યાં હશે! પણ આપણે આંકડા છુપાવતા નથી.
મુંબઈ, થાણે, નાશિક, પુણે જેવાં ઔદ્યોગિક કેન્દ્રોમાં કામદારો ઘરવાપસીની તૈયારી કરતા હોવાની માહિતી આવે છે પણ રાજ્ય સરકાર સાવધાન છે. મુંબઈમાં લોકલ ટ્રેન અને જાહેર ટ્રાન્સપોર્ટમાં ભીડ થાય છે. કામના કલાકો - પીક અવર્સ ધસારાના સમય પછી પણ ધસારો થાય છે. છેલ્લા એક વર્ષમાં ખાનગી ક્ષેત્રની અૉફિસોમાં કામના કલાકો - શિફ્ટ મુજબ કરવામાં આવ્યા હોત તો આજે સ્થિતિ નિયંત્રણમાં હોત - એમ મુખ્ય પ્રધાન કહે છે - શક્ય છે કે આ એમનો ઇશારો છે. જેને નિર્દેશ ગણીને ખાનગી ક્ષેત્ર અમલ કરી શકે છે. હવે આગામી બે દિવસમાં શક્ય છે કે રવિવારે જ નિર્ણય લેવાય.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer