છત્તીસગઢમાં નકસલવાદી હુમલામાં પાંચ જવાન શહીદ

શાંતિ મંત્રણા વિફળ રહ્યાના પખવાડિયામાં બીજો હુમલો; પાંચ કલાકની અથડામણ બાદ ત્રણ હુમલાખોર ઠાર, તર્રેમનાં જંગલમાં હેલિકૉપ્ટર ઉતર્યાં
રાયપુર, તા. 3 : પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ જેમ કાશ્મીરના કપાળે થયેલું ગૂમડું છે, એ જ રીતે નકસલવાદ છત્તીસગઢનાં માથાંનો દુ:ખાવો બનતો રહ્યો છે. છત્તીસગઢ રાજ્યના બીજાપુર જિલ્લાના તર્રેમ ક્ષેત્રનાં જંગલમાં શનિવારે પાંચેક કલાક સુધી ચાલેલાં લોહિયાળ ઘર્ષણના અંતે કોબરા, બસ્તરિયા બટાલિયન, ડીઆરજીના કુલ્લ ચાર અને સીઆરપીએફનો એક મળીને પાંચ જવાન શહીદ થઇ ગયા હતા, તો વળતા પ્રહારમાં જવાનોએ ત્રણ નકસલવાદીઓને પણ ઠાર કર્યા હતા. છેલ્લા 10 દિવસમાં બીજીવાર થયેલા નકસલી હુમલામાં 20 જવાન ઘાયલ થયા હતા.
રાજ્ય સરકાર સમક્ષ શાંતિ વાર્તાનો પ્રસ્તાવ મૂકયાનાં એક પખવાડિયામાં આજે બીજીવાર હુમલાનું કાયર કૃત્ય કરતાં નકસલવાદીઓએ સુરક્ષા દળોના જવાનો પર ગોળીબાર કરવા સાથે આઇઇડી વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હતો.
છત્તીસગઢના પોલિસ મહાનિર્દેશક ડી.એમ. અવસ્થીએ જણાવ્યું હતું કે, જવાનોને નકસલવાદીઓના ગઢ મનાતા દક્ષિણ બસ્તર વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી માટે મોકલાયા હતા. ત્યાંથી રવાના થઇ પરત ફરી રહેલા જવાનોના કાફલા પર છૂપાઇને બેઠેલા નકસલીઓએ હુમલો કર્યો હતો.
રાયપુરમાં આ ઘર્ષણ મુદ્દે અવસ્થીએ તાકિદની બેઠક બોલાવી હતી, જેમાં નકસલવાદ વિરોધી કાર્યવાહીના ખાસ મહા નિર્દેશક અશોક જુનેજા તેમજ અન્ય અધિકારીઓ વચ્ચે ચર્ચા થઇ હતી.
આજે બપોરે 12 વાગ્યે શરૂ થયેલી મુઠભેડ સાંજે પાંચ વાગ્યે ખતમ થઇ હતી. ત્યાર બાદ, જંગલ વિસ્તારમાં વધારાનાં દળો મોકલાયાં હતાં.
શહીદ જવાનોના મૃતદેહ લઇ જવા તેમજ ઇજાગ્રસ્ત જવાનોને બચાવવા માટે તર્રેમ ક્ષેત્રનાં જંગલમાં હેલિકોપ્ટર ઉતારાયાં હતાં. શહીદ જવાનોનું પોસ્ટ મોર્ટમ આવતીકાલે રવિવારે થશે.
અગાઉ 10 દિવસ પહેલાં 23મી માર્ચનાં નકસલીઓએ નારાયણપુર જિલ્લામાં જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ના જવાનોને લઇ જતી બસ પર નિશાન સાધતાં કરેલા વિસ્ફોટમાં પાંચ જવાન શહીદ થયા હતા, તો અન્ય 14 જવાન ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, નકસલવાદીઓએ ગત 17મી માર્ચનાં ઘોષણા કરી હતી કે, અમે જનતાની ભલાઇ માટે છત્તીસગઢ સરકાર સાથે શાંતિ વાર્તા કરવા તૈયાર છીએ.  નકસલવાદીઓએ વાતચીત માટે સશત્ર દળોને હટાવવા, માઓવાદી સંગઠનો પરથી પ્રતિબંધ હટાવવા અને જેલમાં કેદ તેમના નેતાઓને કોઇપણ શરત વિના છોડવાની ત્રણ?શરતો રાખી હતી.
છત્તીસગઢમાં 2018થી 2020 સુધી ત્રણ વરસના ગાળા દરમ્યાન કુલ્લ 970 નકસલવાદી હુમલાનાં હિન કૃત્યો થયાં હતાં. જેમાં કુલ્લ 113 જવાન શહીદ થયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer