વધુ એક લૉકડાઉન માલેગાંવનું અર્થતંત્ર તોડી નાખશે : પાવરલૂમ્સ માલિકો

નાશિક, તા. 3 : ટેક્સ્ટાઈલ ટાઉન ગણાતા માલેગાંવના પાવરલૂમ્સના માલિકોએ ચેતવણી આપી છે કે રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનું લૉકડાઉન લાદશે તો શહેરના અર્થતંત્રની કમર ભાંગી જશે અને 1.5 લાખથી વધુ કારીગરો અને તેમના પરિવારો આર્થિક ભીડમાં સપડાશે. રાજ્યમાં ભિવંડી પછી બીજું સૌથી મોટું પાવરલૂમ કેન્દ્ર એવું માલેગાંવ, યાર્નની ઊંચી કિંમતો અને ગ્રે કાપડની નબળી માગ સહિત અનેક સમસ્યાઓ સામે ઝૂઝી રહ્યું છે. માલેગાંવમાં 2.5 લાખ કરતાં વધુ પાવરલૂમ્સ છે. લૂમ્સના અનેક માલિકો અઠવાડિયામાં ફક્ત ત્રણ કે ચાર દિવસ જ લૂમ્સ ચલાવે છે.  
માલેગાંવ પાવરલૂમ ઉદ્યોગ વિકાસ સમિતિના પ્રેસિડેન્ટ સાજિદ અંસારીએ કહ્યું કે હવે કોઈ પણ પ્રકારનું લૉકડાઉન અમને નાણાકીય રીતે તોડી નાખશે. એપ્રિલ-મે, 2020માં બે મહિનાના લૉકડાઉન બાદ અમે હમણાં જ માંડ માંડ કામકાજ ફરી પાટે ચડાવી શક્યા છીએ. કામકાજ ફરી શરૂ કરવામાં પણ અમને મૂડી અને કાચા માલ સંબંધિત અનેક સમસ્યાઓ નડી હતી.  અંસારીના જણાવ્યા મુજબ, માલેગાંવમાં પાવરલૂમ્સ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી છે, જ્યાં કોવિડના કેસોની સંખ્યા વધુ નથી. માલેગાંવની સ્થાનિક અર્થવ્યવસ્થા મોટા પ્રમાણમાં પાવલૂમ ક્ષેત્ર ઉપર આધારિત છે. જો આ ક્ષેત્રનાં કામકાજ બંધ થાય તો અન્ય સંબંધિત ક્ષેત્રોને પણ પરોક્ષ રીતે અસર થશે. 
પાવરલૂમના માલિક અંસારી નેહલ એહમદ દાનેવાલાએ કહ્યું કે ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન મોટા ભાગના પાવરલૂમ માલિકોએ કારીગરોને વેતન આપવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ હવે માલિકો પોતે જ નાણાકીય ભીડમાં હોવાથી આવું શક્ય નહીં બને. માલેગાંવમાં 6000 ટેક્સ્ટાઈલ મેન્યુફેક્ચારિંગ યુનિટ્સ છે, જેમાં કુલ 1.25 લાખ સાદી પાવરલૂમ્સ છે. આમાંના મોટા ભાગના યુનિટ્સ રહેણાક વિસ્તારોમાં આવેલા છે. માલેગાંવના ટેક્સ્ટાઈલ એકમોમાં ઔદ્યોગિક વપરાશ તેમ જ વસ્ત્રો તૈયાર કરવા માટે વપરાતા કેમ્બ્રિક અને પોપલિન જેવા કોટન ગ્રે ફેબ્રિક્સના કુલ ઉત્પાદનમાંથી લગભગ 35 ટકા ઉત્પાદન કરવામાં આવે છે. અહીં 60 ટકા જેટલા મેન-મેઇડ ફાઈબર ગ્રે ફેબ્રિક્સનું ઉત્પાદન થાય છે. બાકીના પાંચેક ટકા ઉત્પાદન સાડી, લુંગી વગેરેમાં સીધા વપરાતાં કાપડ માટેના યાર્ન ડાઇડ ફેબ્રિક્સનું થાય છે. શહેરમાં દરરોજ સરેરાશ એક કરોડ મીટર ટેક્સ્ટાઈલનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદન માટે જરૂરી કાચો માલ સમગ્ર દેશમાં આવેલી યાર્ન મિલો પાસેથી મેળવવામાં આવે છે. માલેગાંવમાં બનતા ગ્રે ફેબ્રિક્સ મૂળ સેમિ-ફિનિશ્ડ હોય છે અને તેને વધુ પ્રોસાસિંગની જરૂર રહેતી હોવાથી તે મુંબઈ, અમદાવાદ, સુરત, જોધપુર, પાલી, બારમેર, કોલકાતા, મથુરા અને બલોત્રામાં વિવિધ પ્રોસાસિંગ યુનિટોને વેચવામાં આવે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer