વાઝેની મનાતી વધુ એક મર્સિડીઝ કબજે

મુંબઈ તા.3 : મુકેશ અંબાણીના ઘર નજીક મળેલી વિસ્ફોટક ભરેલી કાર અને વેપારી મનસુખ હિરેન હત્યા કેસમાં ધરપકડ કરાઈ છે તે પોલીસ અધિકારી સચિન વાઝેનું રહસ્ય વધુ ઘેરુ બન્યુ છે. કેસ સાથે સંકળાયેલી એક પછી એક લકઝરી કાર બિનવારસી મળી રહી છે.
મિસ્ટ્રી વુમન બાદ એન્ટિલીયા કેસમાં વધુ એક મર્સિડીઝ કારની એન્ટ્રી થઈ છે. આ કેસની તપાસ કરી રહેલી એનઆઈએની ટીમે એક સફેદ રંગની મર્સિડીઝ કાર કબજે લીધી છે. શુક્રવારે આ કારને કચેરી ખાતે લાવવામાં આવી હતી અને તે તપાસનો એક ભાગ હોવાનું જણાવાયુ છે. આ કાર કોની માલિકીની છે અને તેનું આ કેસ સાથે શું કનેકશન છે ? તે તપાસનો વિષય છે. એવું કહેવાય છે કે આ કાર કેસની તપાસમાં મહત્ત્વની બની શકે છે.  સચિન વાઝે અને તેની સાથે જોવા મળેલી મિસ્ટ્રી વુમન એનઆઈએની કસ્ટડીમાં છે. આ મહિલા મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં વાઝે સાથે હોવાનું સીસીટીવીથી સામે આવ્યું છે.
એનઆઈએ ની ટીમે દક્ષિણ મુંબઈની એક હોટલ અને એક કલબમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. ઉપરાંત થાણેમાં એક ફલેટની તલાશી લેવાઈ હતી. એવું કહેવાય છે કે આ મહિલા વાઝેના કાળા નાણાને સફેદ કરવાનું કામ કરતી હતી. તેણે બે આઈડીનો ઉપયોગ કર્યો અને મહિલા પાસે નોટ ગણવાનું મશીન પણ હતું. હોટલમાં વાઝે અને મહિલા સાથે જે પ બેગ જોવા મળી તેમાં રોકડ ભરી હોવાનું માનવામાં આવે છે. એનઆઈએ તપાસમાં ખુલાસો થયો છે કે વાઝે નરીમાન પોઈન્ટની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી વસૂલી રેકેટ ચલાવતો હતો. એક બિઝનેસ મેને રૂ.1ર લાખમાં તેના માટે 100 દિવસ રૂમ બૂક કરાવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer