ડિસેમ્બર સુધીમાં બે કરોડ અમેરિકનોને વેક્સિન મળશે

ડિસેમ્બર સુધીમાં બે કરોડ અમેરિકનોને વેક્સિન મળશે
અમેરિકાના આરોગ્ય વિભાગમાં ફાયઝરની કોરોના રસીની સત્તાવાર નોંધણી
વોશિંગ્ટન, તા. 21: સુપ્રસિદ્ધ દવા કંપની ફાયઝરે તેની કોવિડ-19ના તાકીદના કિસ્સામાં ઉપયોગ માટેની અધિકૃતતા માગતી અરજી અમેરિકાના આરોગ્ય નિયામક તંત્ર પાસે ગઇકાલે માગી હતી. નવા કોરોના વાયરસ સામે રક્ષણ પૂરું પાડવા માટેના મહત્ત્વના પગલા તરીકે આ પ્રથમ અરજી છે.
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશને થયેલી આ અરજી ફાયઝર અને તેના જર્મન ભાગીદાર બાયોએનટેક એસઇએ આ હસ્તકના આખરી અજમાયશના પરિણામો જાહેર કર્યા બાદ કરવામાં આવી હતી. આ પરિણામોમાં રસી કોવિડ-19ને નિવારવામાં 96% અસરકારક જોવા મળી હતી અને સમામતીની કોઇ મોટી ચિંતા જોવા નહોતી  મળી.
ફાયઝરના સીઇઓ આલ્બર્ટ બુર્સાએ એ વાતની પુષ્ટિ આપી હતી કે એક વીડિયો મારફત અરજી કરવામાં આવી છે. શુક્રવારે આ અરજી થયા બાદ ફાયઝરના શેરમાં 1.3% અને બાયો એન ટેકના શેરમાં 9.3 %નો ઉછાળો. ન્યૂયોર્ક એકસચેંજમાં આવ્યો હતો.
અમેરિકામાં અઢી લાખ અને સમગ્ર વિશ્વમાં 13 લાખ લોકોના ભોગ લેનાર કોરોનાના વાયરસની મહામારીના અંતની આશાઓ જાગી છે. આ રસીની અજમાયશમાં ભાગ લેનારામાંથી 45% નાગરિકો 53-85 વર્ષના હતા. અમેરિકાનું એફડીએ આવતા મહિનાના મધ્ય ભાગમાં આ રસીને મંજૂરી આપે તેવી ધારણા છે. આ મંજૂરી મળ્યા બાદ કંપની તરત જ આ રસીના ડોઝની તાત્કાલિક નિકાસ કરી શકશે. ફાયઝરે જણાવ્યું હતું કે તે આ વર્ષ પાંચ કરોડ વેક્સિન તૈયાર કરવાની ધારણા રાખે છે. જે અઢી કરોડ લોકોને રક્ષણ આપવા પુરતા છે.
ડિસેમ્બરના અંત સુધીમાં 40 મિલિયન ડોઝ તૈયાર હશે : વ્હાઇટ હાઉસ
અમેરિકાના અન્ન અને ઔષધ પ્રશાસન દ્વારા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ તમામ અમેરિકનોને કોરોનાની રસી આપવાની યોજના ટ્રમ્પ પ્રશાસને તૈયાર રાખી હોવાનું વ્હાઇટ હાઉસ તરફથી આજે જણાવાયું હતું. વધુમાં જણાવાયું હતું કે આ વર્ષના અંત સુધીમાં 40 મિલિયન ડોઝ ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેયલેગ મેકૅઇનેનીએ કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પના નિરંતર પ્રયાસોના કારણે અમેરિકનો માટે દુનિયામાં સૌ પ્રથમ કોરોના રસી ઉપલબ્ધ થશે. આ વર્ષના અંત સુધીમાં 40 મિલિયન ડોઝ તૈયાર થઇ જશે અને ત્યાં સુધીમાં અન્ન અને ઔષધ વિભાગ આ રસીનો ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી પણ આપી દેશે, એવી અપેક્ષા છે.
જૂનિયર ટ્રમ્પ કોરોના પોઝિટિવ : ટ્રમ્પના એક પ્રવક્તાએ કહ્યું હતું કે ટ્રમ્પ, તેમના પત્ની મેલેનિયા અને પુત્ર બૅરોન બાદ હવે ટ્રમ્પના મોટા પુત્ર ટ્રમ્પ જૂનિયરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્રમ્પ જૂનિયર અસિમ્પ્ટોમેટિક છે અને તેમને ક્વોરન્ટાઇન કરાયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer