સંક્રમિતોની સંખ્યા વધીને 90.50 લાખ
નવી દિલ્હી, તા. 21 : ભારતમાં નવા વરસમાં છેલ્લા ચાર દિવસથી કોરોના સંક્રમણના નવા કેસ લગાતાર વધી રહ્યા છે. જોકે, સાથોસાથ શનિવારે સળંગ 14મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં 46,232 નવા કેસ સામે આવતાં દેશમાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 90.50 લાખથી વધુ, 90,50,597 થઈ ગઈ છે.
દેશના વિવિધ ભાગોમાં શનિવારે વધુ 564 સંક્રમિતોને કાળમુખો ભરખી જતાં મરણાંક વધીને 1,32,726 પર પહોંચ્યો છે. કોરોનાથી થતાં મૃત્યુનો દર 1.46 ટકા રહી ગયો છે.
બીજી તરફ, દેશમાં અત્યાર સુધીમાં 84.78 લાખથી વધુ 84,78,124 સંક્રમિતો ઘાતક વાયરસ સામે જંગ જીતી ગયા છે.
આમ, દર્દી સાજા થવાનો દર એટલે કે, રિકવરી રેટ લગાતાર વધતો રહીને શનિવારના દિવસે 93.67 ટકા પર પહોંચી ગયો હતો. આજે લગાતાર 11મા દિવસે સારવાર હેઠળ હોય, તેવા સક્રિય કેસોની સંખ્યા પાંચ લાખથી નીચી રહી છે.
દેશમાં આજની તારીખે 4,39,747 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, એ જોતાં સક્રિય કેસોનું પ્રમાણ સંક્રમિતોની કુલ્લ સંખ્યાના માત્ર 4.68 ટકા રહી ગયું છે.
ભારતમાં કોરોનાના 93.67 ટકા દર્દી સાજા થયા
