મુખ્ય પ્રધાનને બૉલીવૂડની અને તેમના પુત્રોને પબની ચિંતા : શેલાર

મુખ્ય પ્રધાનને બૉલીવૂડની અને તેમના પુત્રોને પબની ચિંતા : શેલાર
પુણે, તા. 21 : રાજ્યમાં `અનલૉક'ના અગ્રતાક્રમ પરથી ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે આજે ઠાકરે સરકાર પર ટીકાના બાણ છોડયા હતા. `મુખ્ય પ્રધાનને બૉલીવૂડની તો, તેમના પુત્રોને પબ, બારની ચિંતા વધુ છે.' એવો આક્ષેપ તેમણે ર્ક્યો હતો.
વિધાન પરિષદની સ્નાતક અને શિક્ષક મતદાર સંઘની ચૂંટણી નિમિત્તે શેલાર પુણે આવ્યા હતા. તે વખતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જુદા જુદા મુદ્દે રાજ્ય સરકારની ટીકા કરી હતી. મતદારો પર અવિશ્વાસ દર્શાવનારા મહાવિકાસ આઘાડીના પ્રચારનો, નેતાઓનો અને ઉમેદવારોનો તેમણે નિષેધ ર્ક્યો હતો. ઠાકરે સરકારે રાજ્યની જે દયનીય સ્થિતિ કરી છે તેના વિરોધમાં મતદારોએ મતદાન કરવું જોઈએ એવું તેમણે જણાવ્યું હતું. આ સરકાર કાયર અને પરાધીન છે. ખેડૂતોને મદદ અપાતી નથી. શિક્ષણ બાબતે પણ ગૂંચવાડો છે. કોઈ પણ માગણી કરીએ તો તેઓ સરકાર સામે આંગળી ચીંધે છે. 
મરાઠા આરક્ષણનો વિષય નીકળે તો સુપ્રીમ કોર્ટ સામે આંગળી ચીંધે છે. મંદિર ખોલવાનું કહીએ તો મુહૂર્ત કાઢનારાઓ તરફ આંગળી ચીંધે છે. પબ, બાર અને રેસ્ટોરાં ખોલવા પહેલાં મંદિરો ખોલો, એ માગણી ખોટી નથી. પરંતુ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મંદિરો કરતાં બૉલીવૂડ અને તેમના પુત્રોને પબ અને બારની ચિંતા વધુ છે.' એવું આશિષ શેલારે જણાવ્યું હતું. `બૉલીવૂડ મુંબઈ બહાર જવું જોઈએ એવો અમારો મત નથી' એવું તેમણે પછી સ્પષ્ટ ર્ક્યું હતું.
`શાળા શરૂ કરવા બાબતે સરકારે સંભ્રમ ઊભો ર્ક્યો છે. પરિસ્થિતિ જોઇને નિર્ણય લેવો જોઈએ. સરકારે આ નિર્ણય લીધા પહેલાં સંબંધિતો સાથે ચર્ચા કરી નથી. નિર્ણય જિલ્લાધિકારી લેશે, બાળકોને મોકલવા કે નહીં એ વાલીઓ નક્કી કરશે તો સરકાર શું કરશે?' એવો પ્રશ્ન પણ તેમણે પૂછ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer