સુપ્રિયા સુળેને મુખ્યપ્રધાન બનાવાય તો ભાજપનો ટેકો ?

સુપ્રિયા સુળેને મુખ્યપ્રધાન બનાવાય તો ભાજપનો ટેકો ?
મુંબઈ, તા 21 : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે નિષ્ઠાવાન મરાઠા મહિલા હોય એવી અપેક્ષા ભાજપના નેતા આશિષ શેલારે વ્યક્ત કરી છે. આને પગલે આશિષ શેલારનો ઇશારો રાષ્ટ્રવાદી કોંગ્રેનાં સાંસદ સુપ્રિયા સુળે પ્રત્યે હતો, એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ મામલે ભાજપના નેતા ચંદ્રકાંત પાટિલે ટિપ્પણી કરી હતી. કોઈ નિષ્ઠાવાન મરાઠામહિલા મહારાષ્ટ્રની મુખ્યપ્રધાન બને એવી અપેક્ષા રાખનારો મોટો વર્ગ મરાઠાસમાજમાં છે. એવું થયું તો મારા જેવાનું સમર્થન પણ એને મળી શકે એમ આશિષ શેલારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર સમક્ષ જણાવ્યું હતું. ત્યાર બાદ રાજકીય વર્તુળમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા હતા. આ અંગે ચંદ્રકાંત પાટિલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સુપ્રિયા સુળેને મુખ્યપ્રધાન બનાવવાં કે નહીં એ તેમણે નક્કી કરવું છે, એમ તેમણે કહ્યું હતું. 
ઇતિહાસમાં અનેક નિષ્ઠાવાન મહિલાઓ થઈ છે. સુપ્રિયા સુળેને ટેકો આપવાનો પ્રશ્ન જ નથી. એક પુસ્તકના પ્રકાશન સમારંભમાં તેઓ ગયા હતા ત્યારે શેલારે મરાઠા મહિલાને મુખ્યપ્રધાન બનાવવાનું જણાવ્યું હતું. એ પણ પુસ્તકના સંદર્ભમાં આ વાત કરી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસની મરાઠા મહિલા, ભાજપની મરાઠા મહિલા કે અન્ય કોઈ, એ અંગે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો, એમ ચંદ્રકાંત પાટિલે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer