કેન્દ્ર સરકારની ખોટી નીતિને કારણે બેરોજગારી વધી : રાષ્ટ્રવાદીનો આક્ષેપ

કેન્દ્ર સરકારની ખોટી નીતિને કારણે બેરોજગારી વધી : રાષ્ટ્રવાદીનો આક્ષેપ
સાંગલી, તા. 21 : પુણે સ્નાતક અને શિક્ષક મતદાર સંઘના ઉમેદવારોના પ્રચાર માટે સાંગલીમાં યોજાયેલા કાર્યકરોના મેળામાં જળસંપદા પ્રધાન જયંત પાટીલે ભાજપની ટીકા કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ખોટી નીતિને કારણે છેલ્લાં 45 વર્ષમાં, બેરોજગારીમાં સૌથી વધુ વધારો થયો છે. કોરોનાનું સંક્રમણ શરૂ થયા પહેલાં જ દેશના ઉદ્યોગધંધાના ઉત્પાદનમાં 40થી 60 ટકાનો ઘટાડો થયો છે. ભાજપએ  દેશનું અર્થતંત્ર ખોરવી નાખવાનું કામ ર્ક્યું છે. કોરોનાના નામ હેઠળ સરકારે પોતાની નિષ્ફળતા છુપાવી છે. ભાજપ સ્નાતકોની સમસ્યા વધારનારો પક્ષ છે.
પુણે સ્નાતક અને શિક્ષક મતદાર સંઘની ચૂંટણીનો પ્રચાર હવે રંગમાં આવ્યો છે. શનિવારે સાંગલી મહાવિકાસ આઘાડીના બંને ઉમેદવારોના પ્રચાર માટે કાર્યકર મેળાવડાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં જયંત પાટીલે ભાજપના ઉમેદવારોની છબીથી માંડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ વિશે પણ જોરદાર ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, `િવરોધી ઉમેદવારોની જેમ અમારા ઉમેદવારોએ કારખાના બંધ પાડયાં નથી, વેચ્યાં નથી કે ખેડૂતોના શેરડીના પૈસા ડૂબાવ્યા નથી. છેલ્લાં છ વર્ષમાં આ મતદાર સંઘમાં સ્નાતક વિધાનસભ્યોનું કામ દેખાયું જ નથી.'
વડા પ્રધાનની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં વધી છે. કેન્દ્ર સરકારની ખોટી નીતિને કારણે દેશની આર્થિક સ્થિતિ કથળી છે. લાખો યુવાનોની નોકરીઓ ગઈ છે. રોજગાર વધારવાને બદલે સરકારે રોજગાર ઘટાડયા છે. ભાજપ સ્નાતકોના પ્રશ્નો વધારનારો પક્ષ છે. આથી તેને ફરીથી તક મળે નહીં તે માટે બધાએ મતદારો સુધી પહોંચીને કામ કરવું જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer