એમસીએક્સમાં સપ્તાહ દરમિયાન કપાસ, કોટન, સીપીઓના વાયદા ભાવમાં સાર્વત્રિક તેજી

મુંબઈ, 21 : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર 13થી 19 નવેમ્બરના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.608 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.1,229 ઘટ્યો હતો. નિકલ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ એકંદરે વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક તેજીનો માહોલ રહ્યો હતો, જ્યારે મેન્થા તેલ ઘટીને બંધ થયું હતું. 
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.50,665ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.51,139 અને નીચામાં રૂ.49,720ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.608 (1.20 ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.49,994ના સ્તરે બંધ થયો હતો. 
ગોલ્ડ-ગિનીનો નવેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.40,554 ખૂલી, સપ્તાહના અંતે રૂ.406 (1 ટકા)ના ઘટાડા સાથે રૂ.40,172 થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.5,096 ખૂલી, સપ્તાહના અંતે રૂ.45 (0.88 ટકા) ઘટી બંધમાં રૂ.5,051ના ભાવ થયા હતા.  
સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,636 ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.51,161 અને નીચામાં રૂ.49,830 સુધી જઈ સપ્તાહના અંતે રૂ.589 (1.16 ટકા) ઘટી બંધમાં રૂ.50,063ના ભાવ થયા હતા. 
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.62,539 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.64,152 અને નીચામાં રૂ.60,710ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.1,229 (1.96 ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.61,510ના સ્તરે બંધ થયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer