FPIનો સૌથી વધુ પ્રવાહ : આઠ મહિનામાં રૂ. 1.4 લાખ કરોડ કરતા વધુનું રોકાણ

મુંબઈ, તા 21 : ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે માર્ચ 2020માં ભારતીય ઇક્વિટીમાંથી 61,973 કરોડ રૂપિયા પાછા ખેંચી લેતા સેન્સેક્સ અને નિફ્ટીમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ચાલુ નાણાંકીય વર્ષના માત્ર આઠ મહિનામાં નેટ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (એફપીઆઈ) ઇક્વિટી 1,40,295 કરોડ પર પહોંચી છે. 2012-13માં એફપીઆઈ 1,40,033 પર પહોંચી હતી.  
વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોમાં વિદેશી વ્યક્તિઓ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) બંનેનો સમાવેશ થાય છે. નવેમ્બરના પ્રથમ 20 દિવસોમાં ચોખ્ખો પ્રવાહ રૂ.44,378 કરોડ સુધીનો ઉમેરો થયો, જેને પગલે સેન્સેક્સમાં 4,267 પોઇન્ટ અથવા 10.8 ટકાની તેજી જોવા મળી છે. 
ઓગસ્ટમાં અનલૉકની માર્ગદર્શિકામાં અપાયેલી અનેક રાહતોની સાથે અર્થતંત્રને બેઠું કરવા લેવાયેલા પગલાંને કારણે રોકાણકારોનો પ્રવાહ ફરી શરૂ થયો હતો. આને પગલે ઓગસ્ટ-નવેમ્બરમાં  1,03,216 કરોડનું એફપીઆઈ આવ્યું જે કુલ પ્રવાહ 1,40,295 કરોડ રૂપિયાના લગભગ 6 ચતુર્થાંશ જેટલું થવા જાય છે. 
કોવિડ-119 મહામારીને કારણે અર્થતંત્રને સૌથી વધુ માર પડ્યો હોવા છતાં એફપીઆઈએ ભારતને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાનું બજારના નિષ્ણાતોનું કહેવુ છે. આ મહિનાની શરૂઆત શુભ સમચારોથી થઈ છે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોએ ભારતના બજારોમાં એફપીઆઈના પ્રવાહને વેગ આપ્યો અને ભારત સહિત વિશ્વભરના ઇક્વિટી બજારોમાં તીવ્ર તેજી જોવા મળી., 
 અગ્રણી વૈશ્વિક ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મના ટોચના સ્ટ્રટેજિસ્ટે જણાવ્યું હતું કે, `રસીની જાહેરાતને પગલે લાંબા ગાળાની અનિશ્ચિતતા દૂર થઈ રહી છે, તેમ રોકાણનો પ્રવાહ વધી રહ્યો છે. 
એફપીઆઈએ ભારતમાં મધ્યમથી લાંબાગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે, સ્થાનિક રોકાણકારો પ્રોફિટ બાકિંગ મોડમાં હોય એવું લાગે છે. ડોમેસ્ટિક ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સે માત્ર નવેમ્બરમાં 32,649 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer