મુંબઈ લોકલના મુદ્દે રેલવે અને ભાજપ પર રોહિત પવારનો શાબ્દિક હુમલો

મુંબઈ, તા. 21 : `અનલૉક'નો પાંચમો તબક્કો શરૂ થયા બાદ પણ મુંબઈની લાઈફલાઈન સમાન લોકલ ટ્રેનો હજી બંધ જ છે. રાજ્ય સરકારે સામાન્યજનો માટે લોકલ શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યા બાદ પણ કેન્દ્ર સરકારે એના પર નિર્ણય લીધો નથી. એ પરથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વિધાનસભ્ય રોહિત પવારે રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને રાજ્યના ભાજપના નેતાઓ પર જોરદાર હુમલો ર્ક્યો છે.
વિવિધ નિયમો અને શરતોને આધીન રહીને તમામ મુંબઈગરાઓ માટે લોકલ ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારે 28મી ઓક્ટોબરે રેલવેને આપ્યો હતો. આખા દિવસમાં ત્રણ તબક્કામાં સામાન્યજનોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની સુવિધા આપવી એવું પત્રમાં સૂચવવામાં આવ્યું છે. તે માટેનો સમય પણ પત્રમાં જણાવવામાં આવ્યો છે અને વહેલી તકે પત્રનો જવાબ આપવાની વિનંતી કરવામાં આવી છે. જોકે રેલવેએ હજી સુધી નિર્ણય લીધો નથી. કોરોનાનું સંક્રમણ રોકવા માટે ભીડનું વિભાજન કરવા અંગે જરૂરી ઉપાય યોજનાઓ થઈ નથી. ભીડના વિભાજન માટે રાજ્ય સરકાર મોબાઈલ ઍપ અથવા ટેકનોલોજીના મદદથી ઉપાય કરશે નહીં ત્યાં સુધી સામાન્ય મુંબઈગરા લોકલમાં પ્રવાસ કરી શકશે નહીં એવું રેલવેએ જણાવ્યું છે. જોકે હવે આ પરથી રાજકારણ શરૂ થયું છે. રેલવે વિભાગ મુંબઈની લોકલ ટ્રેનો શરૂ કરવામાં અવરોધ ઊભા કરી રહી છે એવો આરોપ અનિલ દેશમુખે ર્ક્યો છે.
રોહિત પવારે પણ દેશમુખનું સમર્થન કરીને રેલવે અને ભાજપની ટીકા કરી છે અને કહ્યું છે કે, `` રાજ્ય સરકાર શ્રમિક રેલવે અંગે વિગત આપી નથી, એવું ટ્વીટ અડધી રાતે કરવાની તત્પરતા દર્શાવનારા રેલવે પ્રધાન લોકલ ટ્રેન શરૂ કરવા અંગેના પત્ર વિશે ચાર દિવસ વીતી જવા છતાં નિર્ણય લેતા નથી, એનું આશ્ચર્ય થાય છે. સ્વાર્થી રાજકારણ માટે સતત જોશમાં દેખાતા વિરોધ પક્ષના નેતાઓ પણ આવા સામાજિક પ્રશ્ને કોમામાં જતા રહે છે.' 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer