કંગના રાજ્યપાલને મળશે, ટ્વીટમાં ઉદ્ધવને રાવણ ચીતર્યા

કંગના રાજ્યપાલને મળશે, ટ્વીટમાં ઉદ્ધવને રાવણ ચીતર્યા
મુંબઈ, તા. 12 : અભિનેત્રી કંગના રનૌત મહારાષ્ટ્ર સરકાર સામેની લડાઈમાં નમતું જોખવાના મૂડમાં હોય એવું લાગતું નથી. કંગના રવિવારે (આજે) મહારાષ્ટ્રના રાજ્યપાલને ભગતાસિંહ કોશિયારીને મળવાની છે. સરકાર પોતાને કેવી રીતે હેરાન કરી રહી છે એની વાત કંગના રાજ્યપાલને કરે એવી શક્યતા છે. તે સાંજે 4.30 વાગ્યે રાજ્યપાલને મળશે. 
દરમિયાન કંગનાએ શનિવારે મરાઠીમાં ટ્વીટ કરી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રાવણની ભૂમિકામાં બતાવ્યા છે. આ ટ્વીટમાં કંગનાએ એક તસવીર પણ મૂકી છે જેમા પોતે રાણી લક્ષ્મીબાઈ બની છે અને રાવણ તરીકે ઉદ્ધવ ઠાકરેને બતાવાયા છે. તસવીરમા બુલડોઝર છે અને રાવણદહન પણ થાય છે. એ ઉપરાંત શિવાજી મહારાજ રાણી લક્ષ્મીબાઈ (એટલે કે કંગના)ના હાથમા તલવાર આપે છે. 
મરાઠી ભાષામાં કરેલી ટ્વીટમાં તેણે લખ્યું છે કે લક્ષ્મીબાઈ, વીર શિવાજીના પગલે ચાલીને હું મારાં કાર્યો કરતી રહીશ. મને ડરાવવાનો પ્રયત્ન કરશો તો પણ હું ધૈર્યથી મારાં કામ કરતી રહીશ. જય હિન્દ. જય મહારાષ્ટ્ર.
હું ડ્રગ્સ લેતી હતી, એવી કબુલાતનો કંગનાનો વિડિયો વાયરલ  અભિનેત્રી કંગના રનૌતનો એક જૂનો વિડિયો વાઈરલ થયો છે જેમાં એ કબુલાત કરી રહી છે કે `હું ડ્રગ એડિક્ટ હતી'.
આ વિડિયો કંગનાએ જ માર્ચમાં શૅર કર્યો હતો. એમાં તે કહે છે કે હું ટીનેજર હતી ત્યારે ઘરેથી ભાગી ને બોલીવૂડમાં નસીબ અજમાવવા આવી ત્યારે નશીલા પદાર્થની બંધાણી થઈ ગઈ હતી. 
કંગનાની સામે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પોલીસને ડ્રગ કનેકશનની તપાસનો આદેશ આપ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer